શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ત્રીજુ નેત્ર ખોલ્યું: સંજયસિંહ વાઘેલા ભાજપમાંથી સસ્પેન્ડ
વોર્ડ નં.૧૩ની એક બેઠક માટે યોજાનારી પેટાચુંટણીમાં ભાજપના સતાવાર ઉમેદવાર સામે ઉમેદવારીપત્રક ભરનાર વોર્ડ નં.૧૩ના મહામંત્રી સંજયસિંહ વાઘેલા સામે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ત્રીજુ નેત્ર ખોલ્યું છે અને મહામંત્રીપદેથી સસ્પેન્ડ કરી દીધા છે.
આજે સવારે કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ રૂબરૂ જઈ સંજયસિંહને સસ્પેન્શનનો લેટર હાથોહાથ પકડાવી દીધો હતો.
આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૩ની એક બેઠક માટે યોજાનારી પેટાચુંટણી માટે ભાજપે નીતિનભાઈ રામાણીને મેન્ડેટ આપ્યું છે. પક્ષના નિર્ણય સામે વિરોધ હોય તે રીતે વોર્ડના મહામંત્રી સંજયસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.
ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓએ ઉમેદવારી ચાલુ રાખતા આજે તેઓને તાત્કાલિક અસરથી ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ રૂબરુ સંજયસિંહને સસ્પેન્શન લેટર આપ્યો હતો. અશિસ્ત કોઈ કાળે ચલાવી લેવામાં આવશે નહીં તેઓ ઈશારો શહેર ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે