ગરવો ગિરનાર થયો હતો આઝાદ
એક તરફ ગરવો ગિરનાર અને સિંહોનો વસવાટ તો બીજી તરફ સોમનાથ મહાદેવ મંદિર અને તેની બાજુમાં વીજળીના ચમકારાની જેમ અવાજ કરીને ઊછળકુદ કરતો દરિયો, બંને સોરઠના અમૂલ્ય આભૂષણો
ભારત સ્વતંત્ર થયાના ૮૫ દિવસ બાદ જુનાગઢને નવાબની ગુલામીથી મળી હતી આઝાદી
એક સમયે પોરબંદર સુધી વિસ્તરેલો સોરઠ પંથક નવાબના સાશનમાં હતો. સોરઠની આ ધન્ય ધરા ઉપર ગાંધીજી, ઝીણા, ભુટ્ટો, મહોબતખાન જેવા અનેક માથાઓ જન્મ્યા હતા. આમ સોરઠની તાસીર દેશભરથી અનોખી હતી. એક તરફ ગરવો ગિરનારને બીજી તરફ સોમનાથ મહાદેવનું મંદિર આ બન્ને સોરઠના આભૂષણો છે. સોરઠની ભવ્યતાનો અંદાજ સોમનાથ મંદિર ૧૭ વખત લૂંટાયું તેના પરથી લગાવી શકાય. કે જે મંદિરને લૂંટવા માટે ૧૭ વખત આવવું પડે તે મંદિરમાં શુ શુ હશે તેની કલ્પના કરવી પણ અઘરી છે. આવી અનોખી કહી શકાય એવી સોરઠની ધરા આજે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ આઝાદ થઈ હતી.
જુનાગઢ તા. ૯ આજે ૯ મી નવેમ્બર એટલે જુનાગઢનો આઝાદીનો દિવસ છે, સન ૧૯૪૭ ની ૧૫મી ઓગસ્ટના દિવસે અંગ્રેજોની જંજીરો માંથી ભારત દેશ આઝાદ થયો હતો, પરંતુ જુનાગઢ અને સોરઠ પંથક ત્યારે પણ જૂનાગઢના નવાબની આડોડાઈને કારણે આઝાદ થયો ન હતો અને ત્યારબાદ આરઝી હકૂમતની સ્થાપના થઇ અને આરઝી હકુમતે એક જોરદારની લડત આપી, અંતે જૂનાગઢનો નવાબ રાતોરાત પાકિસ્તાન ભાગવા મજબૂર બનાવ્યો હતો અને જુનાગઢ નવમી નવેમ્બરે આઝાદ થયું હતું….. કહેવાય છે કે એ દિવસે જૂનાગઢમાં દિવાળી જેવો માહોલ હતો, પરંતુ આજે કોરોનાના કારણના કારણે જૂનાગઢના આઝાદી દિવસની ઉજવણી નિમિતે મહાપાલિકા માત્ર વિજય સ્તંભના પૂજન અર્ચન જ કરવામાં આવ્યું હતું.
૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે ભારત દેશ જ્યારે ગુલામીની ઝંઝીરોમાંથી અંગ્રેજોના અત્યાચારઓ માંથી મુક્ત થયો હતો, ત્યારે ખોબા જેવડા પરગણું એવા જુનાગઢ સોરઠ પ્રદેશના કપાળે કાળી ટીલી લાગી ગઈ હતી, સમગ્ર દેશમાં આઝાદીના સૂર્યોદય વચ્ચે જૂનાગઢ સોરઠ પંથકમાં અમાસનાં અંધારા ઉતર્યા હતા. અને જૂનાગઢના નવાબ મહાબતખાનજીના વજીર શાહ નવાઝખાનના દબાણ નીચે જૂનાગઢ અને સોરઠ પંથકને પાકિસ્તાન સાથે જોડવાની હિલચાલ કરતા તેમનો વિરોધ ઉઠવા પામ્યો હતો.
જોકે બાદમાં આજ સુધી ન જોઈ હોય તેવી ક્રાંતિનો ઉદય જૂનાગઢ અને સોરઠ પંથકમાંથી શરૃ થયો હતો. જૂનાગઢની પાણીદાર પ્રજાએ લોકક્રાંતિ કરી હતી, જેને આજની તારીખે પણ આરઝી હકૂમતની ક્રાંતિ તરીકે હર હંમેશ સંભારાઈ રહી છે, નવમી નવેમ્બર જુનાગઢ અને સોરઠમાં એક નવો સૂર્યોદયની મિશાલ બની ગઈ હતી
અંગ્રેજો જ્યારે ભારત દેશ ઉપર હકુમત ચલાવી રહ્યા હતા, ત્યારે પોરબંદરના ગાંધીબાપુએ ૧૯૪૨ મા કવિટ ઇન્ડિયા ચળવળ અંગે કાર્યવાહી કરી હતી, અને બાદમાં ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો, પણ ત્યારે જૂનાગઢના તત્કાલીન નવાબે પાકિસ્તાન સાથે જૂનાગઢને જોડાણ કરતા જૂનાગઢ અને સોરઠમાં પ્રજાકીય ક્રાંતિ થઈ હતી અને આરઝી હકૂમતની સ્થાપના થઈ હતી. આરજી હકુમતના અનેક નામી-અનામી સૈનિકોએ ભારે જહેમત બાદ જૂનાગઢ શહેરને મુક્ત કરાવ્યું હતું અને નવમી નવેમ્બરના રોજ જુનાગઢ આઝાદ બન્યું હતું.
જુનાગઢ નવાબના સકાંજા માથી આઝાદ થયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ ખાતે આવ્યા હતા અને બાઉદીન કોલેજ ખાતે એક વિરાટ સભા મળી હતી અને પ્રજાનો મત લેવામાં આવ્યો હતો, તેની જેમાં જૂનાગઢ અને સોરઠની પ્રજાએ ભારત સાથે જોડાવાનો મત આપતા અંતે જુનાગઢ પરગણું ભારતમાં જોડાયું હતું, જૂનાગઢના ઐતિહાસિક કિલ્લા ઉપરકોટ ખાતે આરઝી હકૂમતના સરનસીન શામળદાસ ગાંધીના હસ્તે ધ્વજ લહેરાવ્યો હતો અને આ દિવસ જૂનાગઢ અને સોરઠ માટે દિવાળી કરતાં પણ વિશેષ સર્જાયો હતો, ત્યારે અત્ર, તત્ર, સર્વત્ર દિવાળી જેવો માહોલ ખડો થઇ જવા પામ્યો હતો.
સાવજનો વસવાટ ગિર જ કેમ?
સાવજનો વસવાટ માત્ર ગીરમાં જ કેમ છે તે પ્રશ્નનો જવાબ જોઈએ તો સાવજ એ દૈવીય પ્રાણી છે. સામે ગીરની ધરા પણ દૈવીય શક્તિઓ ધરાવે છે. માટે દૈવીય પ્રાણી એવા સાવજ માટે આ ધરા જ અનુકૂળ રહી છે.
સરદારે જૂનાગઢને આઝાદ કરવા લશ્કરની મદદ કેમ ન લીધી?
સરદાર વલ્લભભાઈ પટેલ એક પછી એક રજવાડા અખંડ ભારતના નિર્માણમાં જોડવાનું બીડું ઝડપ્યું હતું. સૌ રાજાએ લોકશાહી સ્થાપવા માટે પોતાના રાજ્યની કુરબાની આપી દીધી હતી. પણ હવે પ્રશ્ન એ થાય છે કે તે સમયે જૂનાગઢને ત્યાંના નવાબ પાકિસ્તાનમાં જોડવા ઇચ્છતા હતા. તેઓ અખંડ ભારતમાં જોડાવા માંગતા ન હતા. આ પ્રશ્ન યથાવત રહ્યો હતો. ભારત આઝાદ થઈ ગયું પણ જુનાગઢનો પ્રશ્ન લટકતો જ રહ્યો હતો. આવા સમયે જો સરદાર ઇચ્છત તો લશ્કરની મદદ લઈને જૂનાગઢને પળભરમાં આઝાદ કરાવી શક્ત. સરદારે આવુ ન કર્યું તેની પાછળનું કારણ એ હતું કે લશ્કરની મદદ લેવામાં આવત તો પ્રજાના મનમાં પણ વિદ્રોહની લાગણી જન્મે તેવી શકયતા હતી.માટે આરઝી હુકુમતની ચળવળ શરૂ કરવામાં આવી અને પહેલા પ્રજાને પોતાની તરફ ખેંચવામાં આવી હતી.
દર વર્ષે વિજય સ્તંભનું પૂજન-અર્ચન કરવાનો રિવાજ
જૂનાગઢની આઝાદી બાદ ૧૯૯૭માં વિજય સ્તંભનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ત્યારથી દર વર્ષે મહાપાલિકા દ્વારા વિજય સ્તંભનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. આજે મહાપાલિકાના સત્તાધીશો દ્વારા વિજય સ્તંભનું પૂજન-અર્ચન કરી આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવી છે.