- આન, બાન, શાન સાથે લહેરાશે તિરંગો
- રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદ ખાતે થશે: ગામે ગામ ધ્વજ વંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાશે: દેશભકિતનો રંગ ઘુંટાશે
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 78માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે આન, બાન, શાન સાથે તિરંગો લહેરાશે, રાષ્ટ્રભકિતને અનેરો રંગ ઘુંટાશે. સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે કરવામાં આવશે.
અંગ્રેજોની 1પ0 વર્ષની ગુલામીમાંથી ભારત દેશ 1પ ઓગષ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. આ ઐતિહાસિક દિવસની સ્વાતંત્ર્ય પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જયારે ર6મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. આ દિવસની પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરાવવા માટે હજજારો લોકોએ પોતાના જીવનનું બલીદાન આપ્યું હતું. આવતીકાલે દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. દેશવાસીઓમાં રાષ્ટ્રભકિત વધુ પ્રબળ બને તે માટે ‘હર ઘર તિરંગા’ અભિયાન હાથ ધરવામાં આવે છે. રાજય સરકાર દ્વારા પણ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન રાજયના ચાર મુખ્ય શહેરો ઉપરાંત નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ પંચાયતોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઘેર ઘેર રાષ્ટ્રઘ્વજ લહેરાય રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ પાટનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાના બદલે રાજયના અલગ અલગ જિલ્લાઓમાં પ્રજાસત્તાક પર્વ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાની નવી પ્રણાલી શરુ કરી હતી. જે યથાવત રાખવામાં આવી છે. 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ મથક એવા નડિયાદ ખાતે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઘ્વજ વંદન સમારોહમાં સામેલ થશે. તેઓની સાથે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી પણ જોડાશે.
ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી, ઉપાઘ્યક્ષ જેઠાભાઇ ભરવાડ મંત્રી મંડળના સભ્યો રાજયના અલગ અલગ જિલ્લામાં ઘ્વજ વંદન કરશે જે જિલ્લામાં મંત્રી નહી ગયા હોય ત્યાં જિલ્લા કલેકટરના હસ્તે ઘ્વજવંદન કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે.
મુખ્યમંત્રી આજે 14 ઓગસ્ટે 78માં સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના કાર્યક્રમોની શરૂઆત કરશે.
મુખ્યમંત્રી ત્યારબાદ સંતરામ મંદિરના દર્શન કરવા ઉપરાંત નડિયાદના હિંદુ અનાથ આશ્રમની મુલાકાત પણ લેવાના છે.
78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નડીયાદમાં આયોજીત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતીમાં નડિયાદમાં આયોજીત એટ હોમ કાર્યક્રમમાં પણ ભૂપેન્દ્ર પટેલ જોડાશે.
મુખ્યમંત્રી 78માં સ્વતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ઉપલક્ષમાં ગુજરાત પોલીસ દ્વારા નડિયાદમાં યોજાનાર શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ મોડી સાંજે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતીમાં 118 કરોડ રૂપીયાના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમૂર્હત કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી કાલે ગુરૂવારે, સવારે 8.58 કલાકે નડિયાદના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યના નાગરીકોને સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશ આપશે.
રાજકોટ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી લોધિકા ખાતે થવાની છે. રાજકોટ શહેર કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ચૌધરી હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે. કાલે સવારે 9 કલાકે નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચેતન ગાંધીના હસ્તે ઘ્વજ વંદન કરવામાં આવશે અને ત્યારબાદ ગાંધી પરેડનું નિરીક્ષણ કરી પ્રજા જોગ સંબોધન કરશે.
તિરંગા યાત્રામાં હોંશભેર સામેલ થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગાનું ગૌરવગાન કરતી આ યાત્રામાં વિશાળ જનસમુહ સાથે જોડાઈને નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવનું જોમ વધાર્યું હતું.
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે ‘હર ઘર તિરંગા’ અભિયાનને યુવાઓમાં ઊર્જાના સંચાર સાથે વિકસિત ભારતના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે આજની તિરંગા યાત્રામાં લોકોના ઉત્સાહ અને દેશપ્રેમની લાગણીને બિરદાવતાં વડાપ્રધાનએ આપેલ ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર ખાદી’નાં સૂત્રોને ચરિતાર્થ કરવાનો અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીએ નાગરિકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત દેશની આઝાદીનું ગૌરવગાન કરતા આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવાનું આહવાન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીના નેતૃત્વમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા આપણે ‘નેશન ફર્સ્ટ’ની ભાવના જન-જનમાં જગાવવાની છે તથા આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસપથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે.