કોર્પોરેશનમાં 14મી ડિસેમ્બરે છઠ્ઠી વખત આવશે વહીવટદાર શાસન: શાસનના અંતિમ દિવસોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ઘડાતો તખ્તો
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત આગામી 13મી ડિસેમ્બરના રોજ સાંજે પૂર્ણ થઈ રહી છે. વર્તમાન પદાધિકારીઓ હવે માત્ર 20 દિવસના જ મહેમાન રહ્યાં છે. મહાપાલિકામાં 14મી ડિસેમ્બરે 6ઠ્ઠી વખત વહીવટદાર શાસનના ભણકારા વાગી રહ્યાં છે. શાસનના અંતિમ દિવસોમાં શક્ય તેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દેવાનો તખતો ગોઠવાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.રાજકોટ મહાનગર પાલિકાની વર્ષ 2015માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શહેરના 18 વોર્ડની 72 બેઠકો માટે ભાજપ 38 બેઠકો અને કોંગ્રેસ 34 બેઠકો પર વિજય બન્યું હતું. માત્ર 4 બેઠકોની બહુમતિ સાથે ભાજપે શાસનની ધુરા સંભાળી હતી. અને પાંચ વર્ષ સુધી નમૂનેદાર શાસન કર્યું હતું. અઢી વર્ષની પ્રથમ ટર્મમાં મેયર તરીકે ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન તરીકે પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અરવિંદ રૈયાણી અને દંડક તરીકે રાજુભાઈ અઘેરાની વરણી કરવામાં આવી હતી. જૂન 2018એ અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થતાં નવા પદાધિકારીઓમાં મેયર તરીકે બિનાબેન આચાર્ય, ડે.મેયર તરીકે અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટે.કમીટીના ચેરમેન તરીકે ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા તરીકે દલસુખભાઈ જાગાણી અને પક્ષના દંડક તરીકે અજયભાઈ પરમારની નિમણૂંક કરવામાં આવી હતી. મહાપાલિકાની વર્તમાન બોડીની પાંચ વર્ષની ટર્મ આગામી 13મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ હોવાના કારણે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા 6 મહાપાલિકાની ચૂંટણી ત્રણ મહિના સુધી પાછી ઠેલવવાની અગાઉ જાહેરાત કરી દેવામાં આવી છે. 14મી ડિસેમ્બરથી મહાપાલિકામાં વહીવટદાર શાસન આવે તે નિશ્ર્ચિત બની જવા પામ્યું છે. અગાઉ પાંચ વખત રાજકોટ મહાપાલિકામાં વહીવટદાર શાસન આવી ચૂક્યું છે. જેમાં તા.27-2-2074 થી મહાપાલિકાને રાજ્ય સરકાર દ્વારા સુપરસીડ કરવામાં આતા તા.8-11-2075 સુધીમાં અલગ અલગ પાંચ વહીવટીદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં એન.એમ.બિજલાણી, સી.સી.ડોકટર, કે.ઓ.વર્દન, એન.એન.બિજલાણી અને સી.સમાજપતિને વહીવટદાર બનાવવામાં આવ્યા હતા. તા.18-7-1980માં ફરી રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાને સુપરસીડ કરવામાં આવતા તા.6-2-1981 સુધી વહીવટદાર તરીકે આર.રામભદ્રનની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ચૂંટાયેલા બોર્ડની મુદત તા.13-10-1993ના રોજ પૂરી થયા બાદ તા.1-11-93 થી તા.28-1-95 સુધી અશોક કોસી અને તા.29-1-95 થી તા.30-6-95 સુધી અશોક નારાયણની વહીવટદાર તરીકે નિમણૂંક કરાઈ હતી. ફરી સાત વર્ષ બાદ વહીવટદાર નિમવાની ફરજ પડી હતી. જેમાં ચૂંટાયેલી બોડીની મુદત રૂા.30-6-2000ના રોજ પૂરી થતાં તા.1-7-2000ના રોજ પી.એન.રાય ચૌધરીની તા.15-10-2000 સુધી વરણી કરાઈ હતી. છેલ્લી વખત તા.14-10-2005ના રોજ બોડીની મુદત પૂર્ણ થતાં તા.15-1-2005 થી તા.27-12-2005 સુધી જી.આર.અલોરીયાની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હવે જ્યારે આગામી 13 ડિસેમ્બરના રોજ સાંજે વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે 14મીથી મહાપાલિકામાં છઠ્ઠી વખત વહીવટદાર શાસન આવે તે નિશ્ર્ચિત બની ગયું છે.
રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર શરૂ થવા પામી છે. જ્યારે ચૂંટણીપંચ દ્વારા ત્રણ મહિના સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછળ ધકેલવામાં આવી છે પરંતુ આ સમયગાળામાં પણ ચૂંટણી થઈ શકશે કે કેમ તેની સામે પણ અનેક સવાલો ઉભા છે.