જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દર 10 વર્ષે જમીનના નમુના લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે: લેબોરેટરી દ્વારા તાજેતરમાં કરાયેલા પરીક્ષણમાં સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો, વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ બેફામ કરી રહ્યા છે, જેને લઇને ખેતીના ઉત્પાદન માટે જરૂરી એવા પોષક તત્વોનો નાશ થઈ રહ્યો છે
દિવસેને દિવસે ખેતરમાં પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ વધી રહ્યો છે, જેને કારણે ન માત્ર પાકમાં, પરંતું ખેતરોમાં પણ પોષક તત્વોની ખામી સર્જાઈ રહી છે. જુનાગઢની કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયેલા સર્વેમાં ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જો આજ પરિસ્થિતિ રહી તો, આગામી સમયમાં ખેતી માટેના દ્રવ્યો કોઈ પૂરી શકશે નહીં. વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ બેફામ કરી રહ્યા છે. જેને લઇને ખેતીના ઉત્પાદન માટે જરૂરી એવા પોષક તત્વોનો નાશ થઈ રહ્યો છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દર 10 વર્ષે જમીનના નમુના લઈને તેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરી દ્વારા તાજેતરમાં કરાયેલા પરીક્ષણમાં સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ખેતીની જમીનમાં પોટાશ અને મેગ્નેશિયમના તત્વોની મોટી ઉણપ જોવા મળી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં જમીનના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં દિવસે દિવસે જમીનમાં જરૂરી પોષક તત્વોની ઉણપ જોવા મળી હતી. આ વિશે કૃષિ યુનિવર્સિટીના રસાયણ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર એએસ જાડેજાએ જણાવ્યું કે, જમીનમાં પોષક દ્રવ્યો ઓછા થવાનું કારણ એક કરતાં વધુ પાક ખેડૂતો લે છે અને વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતો રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ દવાનો ઉપયોગ કરે છે એ છે. જેથી જરૂરી દ્રવ્યોનો નાશ થાય છે. આ ઉપરાંત માત્ર ખેતરમાં ખાતર આપીને ઉત્પાદન નથી થતું. પરંતુ જમીનમાંથી જે જરૂરી તત્વો હોય છે તેનાથી પણ પાક વધુ ઉત્પાદન આવી શકે છે. ખેડૂતો માત્ર અમુક તત્વો ઉપરથી છાંટીને પાકનું રક્ષણ કરતા હોય છે. પરંતુ જરૂરી તત્વ ન હોવાથી ચણા, અડદ, તલ, ઘઉં સહિતના પાકોમાં પોષક દ્રવ્યોની ખામી જોવા મળે છે અને તેને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર જોવા મળે છે. આમ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે રિપોર્ટ બાદ ખેડૂતોએ સાવધ રહીને ખેતી માટેની પદ્ધતિ સુધારવી જોઈએ. જેનાથી આવનાર સમયમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય અને સારું રહે.
આવનારા 20 વર્ષ પછીની પરિસ્થિતિ શું રહેશે?
જો આને આ પ્રકારની પરિસ્થિતિ રહી અને જમીનમાં બીજા તત્વો ઉમેરવામાં નહીં આવે તો અથવા બીજા તત્વો એટલે કે મેન્યુ કે એફઓએમ જમીનમાં નહીં ઉમેરવામાં આવે, તો જમીન ખરાબ થતી જશે. આ સાથે જમીન ખરાબ થવાના કારણો પણ ઘણા છે. હાલના તબક્કે પાણીના બોર અને પાણીના તળ ખુબ ઉંડા જઈ રહ્યા છે. હાલના સમયે પણ 800 થી હજાર ફૂટ એ પાણી આવવું તે સામાન્ય બની ગયું છે. આટલા ઊંડા પાણીના તળમાંથી જ્યારે પાણી વાપરવામાં આવે ત્યારે પાણીની પરિસ્થિતિ ખરાબ હોય છે ખાસ કરીને શિયાળામાં અને જેમ ઉનાળો આવતો જાય તેમ પાણીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે. તેમાં સૌથી વધુ જો પાણીનું ટીડીએસ અને ઇસી છે. જેનું પ્રમાણ ઇસી 2 થી ઓછું હોવું જોઈએ અથવા એકની નીચે હોવું જોઈએ.