કોરોના સામે આર્થિક મોરચે ભરી પીવા સરકાર પેટ્રોલ-ડીઝલમાં રૂ. ૬ સુધીનો વધારો કરશે

એકસાઈઝમાં વધારાના કારણે સરકારની તિજોરીમાં ૩૯૦૦૦ કરોડ જેટલી તોતીંગ રેવન્યુ ઠલવાશે: કોરોના વાયરસના ફેલાવાને રોકવા રાહતકાર્યોમાં મદદ મળશે

મહામારીની આફતથી ઉગારવા પેટ્રોલ-ડિઝલ પર એકસાઈઝ ડયુટી વધારવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સામે આર્થિક મોરચે ભરી પીવા સરકાર પેટ્રોલ-ડિઝલમાં વધારો કરવા જઈ રહી છે. જેના કારણે આર્થિક ક્ષેત્રને થોડા સમય માટે રાહત રહેશે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વૈશ્ર્વિક કક્ષાએ અર્થતંત્ર નબળુ પડી ગયું છે. પરિણામે મોટાભાગની કંપનીઓ બંધ થઈ ચૂકી છે અથવા બંધ થવાના આરે છે. આ ઉપરાંત સરકારની આવકમાં પણ ગાબડુ પડ્યું છે. લાંબા સમયથી અર્થતંત્રમાં માંદગી હોવાના કારણે સરકાર સફાળી જાગી ગઈ છે. આવા સંજોગોમાં સરકારની આવક વધે તે જરૂરી છે. આ આવકથી કોર્પોરેટ સેકટર અને લોકોને રાહત મળી રહે તેવો વિચાર સરકારનો છે. જેના અનુસંધાને આર્થિક મોરચે કોરોનાની અસરને ઓછી કરવા સરકારે પેટ્રોલ-ડિઝલની એકસાઈઝ ડયુટીમાં રૂા.૮ સુધીનો વધારો કર્યો છે.

દરમિયાન આગામી નાણાકીય વર્ષમાં સમયગાળો વધારવામાં આવે તેવી સંભાવના છે. લાંબા સમયથી બજારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. લોકો કોરોના વાયરસના ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે. વૈશ્ર્વિક કક્ષાએ માર્કેટ પડી રહ્યું છે. આવા સંજોગોમાં ભારતીય અર્થતંત્રને સંતુલીત રાખવાના હેતુથી સરકાર એકસાઈઝ ડયુટી સહિતના વેરામાં મહદઅંશે વધારો કરે તેવી શકયતા લાંબા સમયથી જોવાઈ રહી હતી. સરકાર દ્વારા થયેલા વધારાના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં રૂા.૫ થી ૬નું ગાબડુ પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન સરકારને એકસાઈઝ ડયુટીના કારણે દર વર્ષે ૩૯૦૦૦ કરોડની વાર્ષિક આવક થતી હોય. જો હજુ પણ એકસાઈઝ વધારવામાં આવે તો આવકમાં મોટો વધારો થઈ શકે તેવું જણાય રહ્યું છે.

2.Tuesday 2 2

નોંધનીય છે કે, તાજેતરમાં થોડા સમય માટે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ થોડાક જ સમયમાં  પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ સરકારે વધારી હતી. સરકાર પાસે વર્તમાન સમયે આવકનો સોર્સ તરીકે જીએસટી અને એકસાઈઝ ડયુટી છે. આવી સ્થિતિમાં જો એકસાઈઝ દ્વારા થયેલી આવકનો કોરોના સામે લડવા ઉપયોગ કરવામાં આવે તો લોકોને ફાયદો થશે. નોંધનીય છે કે, સરકાર સામે કોરોના જેવી મહા મુસીબત આવીને ઉભી રહી છે. વૈશ્ર્વિક કક્ષાએ ચીન અને ઈટાલી તથા ઈરાન જેવા દેશો આ મુસીબતને ખાળવા નિષ્ફળ રહ્યાં છે. આવા સંજોગોમાં વૈશ્ર્વિક અર્થતંત્રની કમર લગભગ તૂટી ગઈ હોય તેવું સામે આવે છે. ત્યારે ફાયનાન્સ સેકટરને રાહત આપવા સરકાર દ્વારા વિવિધ પ્રકારના પગલા લેવાયા છે. વૈશ્ર્વિક કક્ષાએ અમેરિકા અને યુકે સહિતના દેશોએ નાગરિકોને રાહત આપવા નિર્ધાર કર્યો છે. કેટલીક નાગરિકોના ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે. ત્યારે ભારત સરકાર પણ નાગરિકોને મહદઅંશે રાહત આપવા વિચારે છે. કોરોના વાયરસની ગંભીર કટોકટી સામે લડવા માટે સરકાર પાસે મોટા પ્રમાણમાં ફંડ હોવું આવશ્યક છે. ત્યારે આ ફંડ એકસાઈઝ સહિતની ડયુટીના માધ્યમથી મળી શકે છે.

ભવિષ્યમાં પેટ્રોલ અને ડિઝલ પરની એકસાઈઝ ડયુટીમાં એક સાથે આઠ રૂપિયાનો વધારો કરવામાં આવી શકે તે માટે સરકારે કાયદામાં સંશોધન કર્યું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમને નાણાકીય બિલમાં સંશોધન કર્યું જેના પગલે સરકાર પેટ્રોલ પરની એકસાઈઝ ડયુટી ૧૮ રૂપિયા અને ડીઝલ પરની એકસાઈઝ ડયુટી કરી શકે છે. લોકસભામાં ચર્ચા વગર નાણાકીય સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારે ૧૪ માર્ચે પેટ્રોલ અને ડિઝલ પરની એકસાઈઝ ડયુટીમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો હતો. જેના કારણે સરકારની વાર્ષિક આવકમાં ૩૯,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

શેરબજારમાં એક દિવસમાં વધુ રૂ. ૧૪ લાખ કરોડ ‘રાખ’ થયા

કોરોના વાયરસના હાહાકારના કારણે આખા વિશ્ર્વમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્ર્વભરના માર્કેટમાં થઈ રહેલી ઘેરી અસર ભારતીય રોકાણકારો માટે પણ ચિંતાનો વિષય બની ચૂકી છે. અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક કડાકાની હારમાળા જોવા મળી છે. ગઈકાલે પણ સેન્સેકસ ૩૯૩૪ પોઈન્ટ જેટલો તૂટી પડતા રોકાણકારોના રૂપિયા ૧૪.૨૨ લાખ કરોડ ધોવાઈ ચૂકયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં સેન્સેકસમાં ૧૦ દિવસમાં સર્કિટ લાગી હોય તેવો બીજો બનાવ પણ જોવા મળ્યો છે. સેન્સેકસ ૨૫૯૮૧ પોઈન્ટ નજીક આવી જતાં રોકાણકારો માટે ચિંતા વધી હતી.

ગઈકાલે ૪૫ મીનીટ માટે ટ્રેડીંગ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ માર્કેટ નીચે સરકી રહ્યું હતું. છેલ્લા ૧૫ ટ્રેડીંગ દિવસમાં માર્કેટની હાલત સતત ચિંતાજનક બની રહી છે. એકસીસ બેંકનો શેર ૨૮ ટકા તૂટયો હતો. અત્યાર સુધીમાં શેરબજારમાં ૧૮૦૦૦ પોઈન્ટનો ગાબડુ કોરોના વાયરસના કારણે પડી ચૂકયું છે. આ ગાબડુ સતત ઉંડુ થઈ રહ્યું છે.

કોર્પોરેટ લોકોને આર્થિક મહામારીથી બચાવવા બેન્કોને કોથળા ખોલવા સરકારની હિમાયત

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્રને મરણતોલ  ફટકો પડ્યો છે. મોટી-મોટી કંપનીઓમાં ઉત્પાદન બંધ થઈ ચૂકયા છે. ક્રેડીટ લઈ વ્યાપાર કરનાર ધંધાને વધુ મુશ્કેલી પડી રહી છે. બેંકો પાસેથી લોન લઈને વ્યાપાર વિનીમય કરનાર વેપારીઓ તોબા પોકારી ગયા છે. ત્યારે કોરોના વાયરસની મહામારીની ગંભીર સ્થિતિમાં કોર્પોરેટ સેકટરને ઉગારવા માટે બેંકોને કેટલાક આદેશ સરકાર દ્વારા થયા છે. જેમાં કેપીટલ લોનમાં ૧૦ ટકા ફંડ વધુ ફાળવવા માટેનું સુચન પણ થયું છે. આ ઉપરાંત જો લોન એકાઉન્ટ હોય તેવા કિસ્સામાં વધુ ૨૦૦ કરોડની લોન કોર્પોરેટ સેકટરને મળી શકે છે. તાજેતરમાં જ

એસબીઆઈ દ્વારા ઈમરજન્સી ક્રેડીટ લાઈન સેવાનો પ્રારંભ કરાયો હતો. એસબીઆઈ ઉપરાંત અન્ય બેંકો પણ કોર્પોરેટ સેકટરના વહારે આવે અને બજારમાં તરલતા જળવાઈ રહે તેવી ગણતરી સરકારની છે.

નાદારોનું ઘોડાપુર ઉભુ થાય તે પહેલા નાણાંકીય ખાદ્ય અને મોનેટરીનો બુસ્ટર ડોઝ આપવા પ્રયાસ

કોરોના વાયરસના કારણે સ્થાનિક અને વૈશ્ર્વિક કક્ષાએ મોટો ફટકો પડ્યો છે. જેના કારણે બજારમાં તરલતા ઓછી થઈ ગઈ છે. આવા સંજોગોમાં નાદારોની સંખ્યામાં વધારો ન થાય તે ચિંતા સરકારને સતાવી રહી છે. જેના અનુસંધાને સરકાર વ્યાજદર ઘટાડવાના મુડમાં છે. આ ઉપરાંત વર્તમાન સમયે સરકાર દ્વારા લેવાયેલા પગલા પણ ઉદ્યોગોને પુરતી રાહત આપે તેવા નથી. હજુ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઈટાલી

કે ચીન જેવો નથી પરંતુ આવનારા સમયમાં આ પ્રકોપથી ભારતના ધંધા-ઉદ્યોગો મરણ પથારીએ પહોંચી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. લોકડાઉનમાં તો લોકોના જીવ બચી જશે પરંતુ અર્થતંત્રની હાલત ખુબજ ખરાબ થઈ જશે તેવું નિષ્ણાંતો માની ર્હયાં છે. આવા કેસમાં સરકાર મોનેટરી બુસ્ટ આપવા પ્રયાસ કરશે તેવા સંજોગો ઉભા થયા છે.

અંતે આજે શેરબજારમાં સ્થિરતા

ભારતીય શેરબજાર છેલ્લા ૧૫ ટ્રેડીંગ દિવસમાં અનેક પોઈન્ટ ગુમાવી ચૂકયું છે. ડાઉજોન્સ અને નિક્કી સહિતના આંતરરાષ્ટ્રીય શેરબજારમાં પણ કોરોના વાયરસના કારણે મસમોટા કડાકા બોલી ગયા હતા. હવે આજે એશિયન માર્કેટમાં થોડા સમય માટે તેજી જોવા મળી હતી. એશિયન બજારો આજે ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા. ભારતીય શેરબજાર પર પણ એશિયન માર્કેટની અસર જોવા મળી હતી. બજાર ખુલ્યા બાદ ૧૩૦૦ પોઈન્ટ ઉછળ્યું હતું. જો કે ત્યારબાદ ફરીથી વેચવાલી થતાં બજાર રેડ ઝોનમાં ટ્રેડ થવા લાગ્યું હતું. ફરી બજારે

ઉપર આવવા પ્રયાસ કર્યા હતા. જો કે, બજાર પર કોરોના વાયરસના ભયનું પ્રેસર છે. બજારમાં હજુ લાંબા સમય સુધી ભયનો માહોલ જોવા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૩૧૦ પોઈન્ટ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. અદાણી પોર્ટ, એશિયન પેઈન્ટ, બ્રીટાનીયા, શિપલા, ડોકટર રેડી સહિતની કંપનીના શેર ૫ ટકા સુધી ઉછળ્યા છે. બીજી તરફ ઈન્ડુસીન્ડ બેંકની હાલત આજે પણ ખરાબ છે.

યુકેમાં સંપૂર્ણ લોકડાઉન!!!

વિશ્ર્વભરમાં કોરોના વાયરસથી થતાં મોતના કેસ ૧૫ હજારને પાર થઈ ચૂકયા છે. અમેરિકા અને યુકે સહિતના વિકસીત દેશો પણ કોરોનાના સંક્રમણથી ફફડી ગયા છે. અમેરિકામાં અનેક રાજ્યોમાં લાખો લોકો કોરોના વાયરસના સંક્રમણના ઝપટમાં આવી ગયા હોવાનું સામે આવે છે. યુકેમાં પણ હાલત ખરાબ છે. યુકેની સરકાર દ્વારા લોકોને સમૂહમાં એકઠા ન થવા અને ઘરે રહેવા માટેની સલાહ થોડા સમય પહેલા આપવામાં આવી હતી. પરંતુ ભારતની જેમ યુકેમાં પણ લોકોએ સરકારની સલાહને માન આપ્યું નહોતું. પરિણામે યુકેમાં હવે ફરજિયાત લોકડાઉનની સ્થિતિ ઉભી થઈ છે. યુકેમાં ઘરની બહાર નીકળનાર લોકો સામે ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી પણ થાય તેવું બની શકે. અમેરિકામાં હાલત ખરાબ છે. ટ્રમ્પ દ્વારા અર્થતંત્રને ડામાડોળ થતું અટકાવવા માટે પગલા લેવાનું આહવાન કરાયું છે. ન્યુઝીલેન્ડમાં પણ કોરોના વાયરસના ક્ધફર્મ કેસ મળતા હાહાકાર મચી ગયો છે. ભારતમાં વર્તમાન સમયે ૩૦ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. બહાર નીકળનારા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાના કારણે ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોનો સહારો લેવામાં આવ્યો છે. મેડિકલ ૧૦૦થી વધુ બેડ ધરાવતી હોય તેવી મેડિકલ કોલેજોમાં કોરોના વાયરસના દર્દીઓ માટે ૨૫ ટકા બેડ અલગથી રાખવાની હિમાયત તાજેતરમાં થઈ છે. વર્તમાન સમયે ઉત્તરાખંડમાં આ નિયમ લાગુ કરી દેવાયો છે. કોરોના વાયરસના વધતા કેસના કારણે સરકાર આરોગ્યની સુવિધાઓ વધુ અસરકારક બનાવી રહી છે. અમેરિકા અને યુકે જેવા વિકસીત દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધતા સમગ્ર વિશ્ર્વ પણ ચિંતામાં મુકાયું છે. શ્રેષ્ઠ ડોકટરો અને અત્યાધુનિક મેડિકલ સંશાધનો હોવા છતાં યુકેમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઓછા થઈ ર્હયાં નથી. અધુરામાં પૂરું આગામી સમયમાં મોટા પ્રમાણમાં મોતના કિસ્સા સામે આવે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં લોકો બહાર ઓછા ફરે અને ઘરમાં રહીને કોરોના સામે લડે તેવી ઈચ્છા લગભગ તમામ દેશોની સરકારે વ્યકત કરી રહી છે. કોરોનાની મહામારીને રોકવા હજુ સુધી લોકડાઉન સીવાય કોઈપણ ઈલાજ કારગત નિવડયો નથી. વાયરસના સંક્રમણ સામેની રસી શોધાઈ રહી છે. ત્યારે જ્યાં સુધી રસી ના શોધાય ત્યાં સુધી વાયરસ ફેલાય નહીં તે જરૂરી છે. જેથી યુકેમાં સજ્જડ લોકડાઉન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.