માધાપર, માલિયાસણ, ઉપલેટા, જામકંડોરણા, અને માળિયાહાટીનામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
અમરેલી, જામનગર અને પોરબંદરમાં કોરોનાએ એક-એક દર્દીઓનો ભોગ લીધો
કોરોના કોવિડ ૧૯ ની મહામારીમાં મહાનગરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોખમ વધી રહ્યું છે. મહાનગરો માંથી પરત ફરતા લોકો કોરોના સંક્રમણમાં આવતા પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગઈ કાલે વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. માધાપર વિસ્તારમાં રહેતો અને ખાનગી હોસ્પિટલમાં કામ કરતો યુવાન અને માલિયાષણમાં અમદાવાદથી આવેલા પ્રોઢા કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા. માધાપર, માલિયાષણ, ઉપલેટા,જામકંડોરણા અને માળિયાહાટીના માં કોરોનાના વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, જામનગર અને પોરબંદરમાં એક-એક કોરોનાગ્રસ્ત દર્દીઓના કોરોના વાયરસે ભોગ લીધો છે.
વતન પરત આવાની વધતી જતી મંજૂરી સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે. ગઈ કાલે ફરી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટના ભાગોળે આવેલા માધાપર વિસ્તારમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં કામ કરતા ૨૫વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે માલિયાષણ ગામે અમદાવાદથી આવેલા ૫૪ વર્ષના પ્રૌઢ ને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઉપલેટાના ત્રામ્બડિયા ગામે અમદાવાદથી આવેલા દંપતીને ક્વોરેઇન્ટઇન કરી સેમ્પલના રિપોર્ટ કરવામાં આવતા તેઓને કોરોનાનો ચેપ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે જામકંડોરણાના જામદાદર ગામે ૧૦ વર્ષના બાળકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને માળીયાહાટીના તાલુકાના માતરવાનીયા ગામે અમદાવાદથી આવેલા ૫૨ વર્ષના પ્રોઢાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લામાં પણ કોરોનાનું જોખમ વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં લાંબા સમય સુધી કોરોના મુક્ત રહેલા અમરેલી જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અમરેલીમાં અત્યાર સુધી કુલ ૧૦ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જ્યારે અમરેલીમાં ગજેપરા વિસ્તારમાં અમદાવાદથી આવેલા મહિલાને સેમ્પલ મેળવી આઇસોલેટ કરવામાં આવ્યા હતા. જેમનું રિપોર્ટ પેહલા જ મોત નિપજ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં સૌપ્રથમ મોત નોંધાયું છે.
જામનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં જામનગરના ૧૦ વર્ષના કેન્સરગ્રસ્ત બાળક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ પરત ફરતા તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. કેન્સરગ્રસ્ત અબ્દુલ વહાદને કોરોના પોઝિટિવ આવ્યાના થોડા દિવસમાં જ તેનું ચાલુ સારવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે પોરબંદરના ટુકડા સોસાયટીમાં મુંબઇ કુરિયારમાં કામ કરતા હરશુખભાઈ ટુકડીયાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પાંચ દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.સુરેન્દ્રનગર પંથકમાં પણ કોરોનાના વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જોરાવનગરમાં નદી કાંઠે રહેતી અને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી અને પાટડી તાલુકાના ગવાણા ગામની ૨૮ વર્ષની સગર્ભા સહિત વધુ ચાર કોરોનાગ્રસ્ત કેસ નોંધાતા સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે દેવભૂમિ દ્વારકામાં પણ લાંબા વિરામ બાદ વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયાના નિવૃત તલાટી રાજકોટ સારવાર બાદ પરત આવતા તેઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.