સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન ગૌચરની જમીન સહિત રહેણાંકની જમીનો પર ગેરકાયદેસર કબ્જા સહિત અન્યના નામે જમીન ચડાવી દેવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે માલીકીની જમીનો અન્ય લોકોના નામે ચડાવી દેવાનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
આ અંગે લોકમુખે થતી ચર્ચાઓ મુજબ જિલ્લામાં અનેક સ્થળોએ ગૌચરની જમીનો પર તેમજ રહેણાંકની જમીનો અન્ય વ્યક્તિઓના નામે કરાવવાના કૌભાંડ ચાલી રહ્યાં છે જેમાં અમુક અધિકારીઓની મીલીભગત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે આવેલ અનેક જમીનો અન્ય લોકોના નામે કરી દીધી હોવાનું ધ્યાને આવતાં જાગૃત નાગરિક દ્વારા રાજસીતાપુર ગ્રામ પંચાયતથી લઈને ધ્રાંગધ્રા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ મુખ્યમંત્રી સહિત વડાપ્રધાન સુધી રજુઆતો કરવામાં આવી છે. જ્યારે ગ્રામ પંચાયત દ્વારા ગેરરીતી થઈ હોવાનું સ્વીકારવામાં પણ આવ્યું છે પરંતુ આજ દિવસ સુધી આ અંગે જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે કોઈ જ પગલા ભરવામાં આવ્યાં નથી.
આથી રાજસીતાપુર ગામમાં યોગ્ય રીતે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે તો અનેક નામો બહાર આવી શકે તેમ છે જ્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતના સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી અન્ય લોકોના નામે માલીકીની જમીનો ચડાવી મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આથી આ અંગે ઉચ્ચકક્ષાએથી કડક પગલા ભરવામાં આવે અને તપાસ હાથધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.