ગુજરાતમાં કોરોના સંક્રમણનું વધતું પ્રમાણ જોતા રાજ્ય સરકારે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. સરકારે બધી તરફની પરિસ્થિતિ જોતા લોકડાઉનનો વિકલ્પ પસંદ કરવા કરતા કર્ફયુ જાહેર કર્યું છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ(ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ જે 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો તે 20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.

આ ઉપરાંત 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિયંત્રણ 28મી એપ્રિલને બુધવારથી 5મી મે બુધવાર સુધી રહેશે. આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જેમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર અને પેરામેડિકલ સેવાઓ, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્પણે પાલન કરવાનું રહેશે.

આ સાથે તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે. સરકારે મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે.

સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે. રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. બસ ટ્રાન્સપોર્ટની સેવા ફક્ત 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે. લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.