- રૂપાલાની રક્ષા કાજે નિવાસસ્થાને બંદોબસ્ત અને પ્રચાર સ્થળની સુરક્ષાની જવાબદારી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સોંપાઈ
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પર હુમલાની દહેશતને લઈને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ’અબતક’ ફરી એકવાર અગ્રેસર રહ્યું છે. ગઈકાલે જ ’અબતક’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે, પરસોત્તમ રૂપાલા પર હુમલાની દહેશત વ્યક્ત કરી પોલીસની એક મહત્વની એજન્સીએ સુરક્ષા વધારવા ભલામણ કરી છે અને ટૂંક સમયમાં રૂપાલાની રક્ષા કાજે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જે અહેવાલ તદ્દન સાચો સાબિત થયો છે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કર્યા બાદ ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પરષોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરાયો છે.
પરષોત્તમ રૂપાલાના ઘરે અને તેમના ભાજપ કાર્યાલયે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ખાનગી બાઉન્સર અને સુરક્ષાકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા છે. આ અંગે ’અબતક’ દ્વારા ગત તા. 28 માર્ચના અંકમાં જ ’પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત? : તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!’ના ટાઇટલ સાથે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, પોલીસની ગુપ્તચર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, પરસોતમ રૂપાલા પર હુમલાની દહેશતને લીધે તેમની સુરક્ષા વ્યવસ્થા વધારવી જરૂરી છે. જે અહેવાલ એકદમ સાર્થક સાબિત થયો છે.
પરષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ટીપ્પણી કર્યા બાદ રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવમાં આવી રહ્યો છે. આજે ગુજરાતના વિવિધ શહેરોમાં પરષોત્તમ રૂપાલાના પૂતળા દહન કરી રાજપુત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જે બાદ પરષોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ભાજપ કાર્યાલય અને તેમના નિવાસ્થાને પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત પરસોતમ રૂપાલાની સભા તેમજ પ્રચાર જે વિસ્તારમાં હોય ત્યાં તેમની સુરક્ષાની જવાબદારી લાગત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સોંપવામાં આવી છે. પરસોતમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ક્ષત્રિય સમાજે ભાજપને ચીમકી પણ આપી છે કે, જો રાજકોટમાં ઉમેદવાર નહીં બદલાય તો અમે પરસોતમ રૂપાલા સામે મતદાન કરીશું અને અમે પરિણામ બદલવાની પણ હિંમત રાખીએ છીએ. તો આ ગરમાવા વચ્ચે રાજકોટમાં રૂપાલાના ઘરે સુરક્ષા આપવામાં આવી છે. ઘર પાસે પાંચ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. એક ગનમેન, ચાર જવાન સહિત 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે ક્ષત્રિય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાશે સમાજની બેઠક
પરસોત્તમ રૂપાલા મામલે ચાલી રહેલા વિવાદ મામલે આજે સાંજે ગોંડલ મુકામે ક્ષત્રિય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં મુખ્ય સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહેનાર છે. આ મામલે પણ ગત તા. 28 માર્ચના અહેવાલમાં ’અબતક’ દ્વારા લખવામાં આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના એક મોટા ગજાના આગેવાનની આગેવાનીમાં બેઠક યોજાવા જઈ રહી છે જે બાબત પણ સાચી ઠરી છે.
સી આર પાટીલના શબ્દો સાચા પડશે?
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ગુરૂવારે પત્રકારો સાથેના પ્રીતિ ભોજન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં આ બાબતે સુખદ પરિણામ આવશે. હવે આ મામલે જયારે બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે સી આર પાટીલના શબ્દો સાચા પડશે અને આ વિવાદનો અંત આવશે કે પછી ક્ષત્રિય સમાજ તેની માંગ પર અડગ રહેશે તે હવે જોવાનું રહ્યું.