થોડા સમય પહેલાં અગ્રણી ઔદ્યોગિક સંસ્થા અસોચેમ દ્વારા મુંબઈ, અમદાવાદ, દિલ્હી અને જયપુર જેવી મેટ્રો સિટીમાં કરેલા સર્વેક્ષણ બાદ પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ અનુસાર ભારતમાં વર્કિંગ મહિલાઓ લક્ઝરી પાછળ ધૂમ ખર્ચ કરે છે. લક્ઝરી પ્રોડક્ટ્સ પ્રત્યે મહિલાઓના વધી રહેલા મોહને કારણે લક્ઝરી ચીજોનું માર્કેટ ૯ અબજ ડોલરને પાર કરી ગયું છે. આગામી સમયમાં એમાં ભારે ઉછાળો જોવા મળે એવી પૂરી શક્યતા છે. આ પરિસ્થિતિમાં બ્રેન્ડેડ વસ્તુઓ માટેનો મહિલાઓનો અભિગમ કેવો છે એ જાણીએ.
ઑફિસ-કલ્ચરના કારણે લક્ઝરી પ્રોડક્ટ્સનો મોહ વધ્યો – મિતાલી શેઠ, અંધેરી
અંધેરીમાં રહેતાં ટેક્સટાઇલ-ડિઝાઇનર મિતાલી શેઠ એક્સપોર્ટ કંપનીમાં જોબ કરે છે. ગુણવત્તાને લઈને તેઓ ખૂબ જ સભાન છે. તેઓ કહે છે, સીધો સંબંધ તમારી સ્કિન સાથે છે એટલે એની ગુણવત્તાની ચકાસણી કરવી અનિવાર્ય છે. એક વાર વસ્ત્રોની ખરીદીમાં બાંધછોડ કરી શકાય, પરંતુ હેલ્થ સંબંધિત વસ્તુઓ માટે સભાન રહેવું જ પડે. બીજું, ઑફિસ-કલ્ચરના કારણે પણ સ્ત્રીઓ લક્ઝરી ચીજવસ્તુઓની ખરીદી કરવા પ્રેરાય છે. તમારી આસપાસ કામ કરતા લોકોના પ્રભાવમાં આવો એમાં ખર્ચ વધી જાય છે. ઘણી વાર એવું પણ થાય કે કોઈક મહિને તમારાથી વધારે ખર્ચ થઈ જાય અને એવું વિચારો કે આવતા મહિને ઓછો ખર્ચ કરવો છે, પણ એવું થતું નથી. આવતા મહિનામાં કોઈ બીજી જ સ્ટોરી હોય અને તમે ફરીથી એ જ પ્રવાહમાં તણાઈ જાઓ છો. વર્કિંગ વુમનને પબ્લિક અપીઅરન્સને ધ્યાનમાં રાખી કેટલીક વસ્તુની ફરજિયાત ખરીદી કરવી પડે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
લક્ઝરી વોચ એકઠી કરવાનો ગાંડો શોખ – પાયલ લાઠિયા, બોરીવલી
કોર્પોરેટ કંપની સાથે સંકળાયેલાં પાયલ લાઠિયા વ્યવસાયે ઍડ્વોકેટ છે. તેમને લક્ઝરી ઘડિયાળનો ગાંડો શોખ છે. તેઓ કહે છે, વોચ મારી નબળાઈ છે. મને નાનપણથી જ વિવિધ ડિઝાઇનની વોચ એકત્ર કરવાનો શોખ છે. એ વખતે મોંઘી ઘડિયાળો ખરીદી શકાય એવી આર્થિક પરિસ્થિતિ નહોતી, પરંતુ આજે હું ફાઇનેન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છું તો લક્ઝરી વોચ ખરીદવાનો મોહ રોકી શકતી નથી. કંપનીઓને ટ્રેક કરું છું અને જ્યારે સેલ હોય ત્યારે મનગમતી વોચ ખરીદી લઉં. લક્ઝરી વસ્તુની ખરીદી એ શોખનો વિષય છે. એવું પણ નથી કે હું મારી આવકને માત્ર શોખ પાછળ વેડફી નાખું છું. કાલે ઊઠીને આવક બંધ થઈ જાય તો સામાન્ય વસ્તુ પણ વાપરી શકાય. મારા માટે જ નહીં, મારા પરિવારના સભ્યો માટે પણ સારી વસ્તુ લેવાનો આગ્રહ રાખું છું. મારા હસબન્ડને પરફ્યુમનો શોખ છે તો હું તેમને બ્રેન્ડેડ પરફ્યુમ ગિફ્ટમાં આપું. આવી જ રીતે સાસુને ઍક્સેસરીઝ બહુ પસંદ છે તો તેમને એ આપું. વોચ ઉપરાંત હું લિપસ્ટિક અને બ્રેન્ડેડ શૂઝ પાછળ પણ સારોએવો ખર્ચ કરું છું. વાસ્તવમાં તમે સ્વતંત્ર આવક ધરાવતા હો તો જ આવા શોખ પરવડે અન્યથા તમારે બાંધછોડ કરવી પડે.
નાનપણથી જ બ્રેન્ડેડ પ્રોડક્ટ્સ વાપરવાની ટેવ – પ્રાચી ઓઝા પંડ્યા, ગોરેગામ
ગોરેગામમાં રહેતાં ઈંઝ ક્ધસલ્ટન્ટ પ્રાચી ઓઝા પંડ્યા અંગત વપરાશની તમામ વસ્તુની પસંદગી પ્રત્યે ખૂબ જ સભાનતા દાખવે છે. તેઓ કહે છે, મારા પપ્પા વિદેશમાં જોબ કરે છે અને હું મારાં માતા-પિતાનું એકમાત્ર સંતાન છું એટલે નાનપણથી જ મેં બ્રેન્ડેડ વસ્તુઓ વાપરી છે. મારો ઉછેર જ એ રીતે થયો છે કે સ્ટ્રીટ-શોપિંગ મને ફાવતું જ નથી. ખાસ કરીને વસ્ત્રો અને અંગત વપરાશની વસ્તુઓની ખરીદીમાં જરા પણ ગફલત ન ચાલે. મોટી કંપનીઓનાં વસ્ત્રોની વિશાળ રેન્જ હોય છે. એનું ફિટિંગ અને પેટર્ન યુનિક હોવાના કારણે તમે ભીડમાં અલગ તરી આવો છો. જ્યારે તમે બધા કરતાં અલગ દેખાઓ ત્યારે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. બેશક મોલ્સ અને અઈ શોરૂમના કારણે આવી વસ્તુઓ બહુ મોંઘી હોય છે, પરંતુ એની ગુણવત્તા પણ એવી છે કે પૈસા ખર્ચવાનો અફસોસ ન થાય. થોડા સમય પહેલાં મારી પુત્રી માટે મેં સાદાં નેપ્કિન ખરીદ્યાં ત્યારે તેને ચહેરા પર રેશિઝ થઈ ગયા. એ વખતે મને થયું કે નેપ્ક્ધિસ જેવી વસ્તુમાં પણ બ્રેન્ડ જોવી જોઈએ. સારી કંપનીની ક્રીમ વાપર્યા બાદ આ રેશિઝ ઓછા થયા. બ્રેન્ડેડ વસ્તુની આ જ ખાસિયત છે. તમે સસ્તું શોધવા જાઓ તો બધું જ ન મળે. મને એક નજરે જે ગમી જાય એ વસ્તુ ખરીદવાનો મારો આગ્રહ હોય છે અને હોવો જ જોઈએ.
બ્રેન્ડેડ વસ્તુની ખરીદીમાં દેશી બ્રેન્ડ પહેલી પસંદ – સ્વાતિ છેડા, સાયન
સાયનમાં રહેતાં ઑપ્ટોમેટ્રિસ્ટ સ્વાતિ છેડા કહે છે, એ વાત ખરી કે આજકાલ માર્કેટમાં બ્રેન્ડેડ ચીજોની ધૂમ માગ જોવા મળે છે. મહિલાઓને લક્ઝરી પ્રોડક્ટ્સનું ઘેલું લાગ્યું છે અને દેખાદેખીમાં જરૂરત ન હોય તો પણ ઘણી વાર ખરીદી લે છે. મારી વાત કરું તો મને બ્રેન્ડેડ ચીજોનું વળગણ નથી, પરંતુ એનો આગ્રહ અવશ્ય રાખું છું. આવો આગ્રહ રાખવાનું મુખ્ય કારણ છે એની ગુણવત્તા. સામાન્ય રીતે બ્રેન્ડેડ ચીજ-વસ્તુની ગુણવત્તા બજારમાં મળતા અન્ય પ્રોડક્ટ્સ કરતાં ચડિયાતી હોય છે. બેશક, એ મોંઘી હોય છે, પણ સરવાળે તો સસ્તી જ પડે છે. હું શક્ય હોય ત્યાં સુધી ભારતીય બ્રેન્ડ જ ખરીદવાનું પસંદ કરું છું. ભારતીય બ્રેન્ડની બેગ અને વસ્ત્રો ખૂબ આકર્ષક હોય છે. આપણા દેશમાં આ ક્ષેત્રમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. અહીં મળતી ચીજો ટ્રેન્ડી હોય છે અને રોજ બદલાતી ફેશન સાથે મેચ પણ થઈ જાય છે. જોકે ઍપરલ, કોસ્મેટિક્સ, વોચ અને અન્ય કેટલીક ચીજોમાં ઇન્ટરનેશનલ બ્રેન્ડની સમકક્ષ ભારતમાં વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો પછી ખરીદવી પડે છે. એક વાત એ પણ છે કે મહિલાઓ બ્રેન્ડેડ અને લક્ઝરી ચીજો ખરીદતી વખતે ભાવ પર ધ્યાન નથી આપતી એ સાવ સાચું નથી. આ બાબતમાં પણ તેમનામાં સભાનતા જોવા મળે છે.
બ્રેન્ડેડ ક્લોથ્સની પસંદગીનું કારણ એની ગુણવત્તા
વર્કિંગ વુમનની જેમ કોલેજ-સ્ટુડન્ટ્સમાં પણ લક્ઝરી પ્રોડક્ટ્સ ખરીદવાની રેસ જોવા મળે છે. ૨૪ વર્ષની લો-સ્ટુડન્ટ નંદિની શાહને લાગે છે કે બ્રેન્ડેડ વસ્તુની આવરદા વધુ હોય છે તેથી સ્ટુડન્ટ્સ એની ખરીદી કરે છે, નહીં કે દેખાદેખીના કારણે. તે કહે છે, આ મારો જાતઅનુભવ છે. મેં સ્ટ્રીટ પર મળતાં જીન્સ અને વાપરી જોયાં છે, બે ધોવાણમાં તો ઝાંખાં પડી જાય છે. રોડ પર ૫૦૦-૬૦૦ રૂપિયામાં જે જીન્સ મળે એવા જ જીન્સ પાછળ હું ૩૦૦૦ રૂપિયાનો ખર્ચ કરું છું તો સામે એ જીન્સ ૨-૩ વર્ષ ચાલે છે. સરવાળે તો એ જ સસ્તું પડે છે. ઉપરાંત બ્રેન્ડેડ વસ્ત્રોમાં જોવા મળતી ખાસ ડિઝાઇન અને કલર ચીલાચાલુ ચીજવસ્તુમાં જોવા મળતાં નથી. એવું નથી કે લક્ઝરી પ્રોડક્ટ્સનો મોહ છે, પરંતુ એની લાઇફ વધારે છે એટલે પ્રિફર કરું છું. આ બાબત કોસ્મેટિક્સ ખરીદવામાં પણ એટલી જ લાગુ પડે છે. જેવીતેવી વસ્તુ લઈએ અને એની આડઅસર થાય તો ભારે પડી જાય. હવે રોજ-રોજ ખરીદી કરવા જવાનો કોઈની પાસે સમય નથી એટલે વધુ ટકાઉ અને ભરોસેમંદ કંપનીની વસ્તુ લેવામાં શાણપણ છે. આજે તો શોપિંગ મોલથી લઈને ઑનલાઇન એમ બધે જ બ્રેન્ડેડ વસ્તુઓ સહેલાઈથી ડિસ્કાઉન્ટમાં મળે છે તો પછી કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર શું છે?