ઓકિસજન માટે 20 હજાર લીટરની એક અને 1 હજાર લીટરની
4 ટેંકની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ધસારો વધતા, શરૂઆતમાં કોરોનાની સારવાર માટે જે 440 બેડ હતા તેમાં વધારીને 940 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે, સાથોસાથ ઓકિસજન માટે 20,000 લીટરની એક અને 1,000 લીટરની 4 ટેંકની સુવિધા ઉભી કરાઈ છે, તથા સિવીલના ડોક્ટરોની સારવારથી રોજના સરેરાશ 120 દર્દીઓ સાજા થઇ ઘરની વાટ પકડે છે.
જૂનાગઢ સિવિલમાં કોરોનાની શરૂઆતમાં 440 બેડની વ્યવસ્થા હતી. તેમ જણાવી સિવિલ સર્જન ડો. સુશીલ કુમારના જણાવ્યા અનુસાર, જરૂરિયાત વધતા તાત્કાલીક ધોરણે બેડમાં ક્રમશ: વધારો કરી આજે 940 બેડ કર્યો છે. સિવિલના 3 થી 8 એમ છ માળ ઉપર માત્રને માત્ર કોરોના પેશન્ટને સારવાર આપવામાં આવી રહી છે. 150 જેટલા ઇન્ટર્ન તબીબો, 150 જેટલાં ફાઇનલ ઈયરના તબીબ સ્ટુડન્ટ, 40 થી વધુ ડોક્ટરોની ટીમ શીફ્ટમાં કોરોના પેશન્ટ માટે સતત સેવારત છે. તબીબો પેશન્ટની સારવારમાં કોઇ કચાસ રાખતા નથી.
આ સિવાય સિવિલમાં ઓક્સીજન કેપેસીટીમાં જરૂર મુજબ વધારો કરાયો છે. પ્રથમ જમ્બો બાટલાની સુવિધા હતી. જેમ જરૂરિયાત વધતાં 1,000 લીટરની 4 ટેંકની વ્યવસ્થા કરી. વધુ જરૂરિયાત જણાતા 20,000 લીટરની ટેંક તાત્કાલીન ધોરણે ઉભી કરી. આમ દર્દીઓની સંખ્યા વધતાં હોસ્પિટલની સુવિધામાં સમયાંતરે વધારો કરાયો છે. મહત્તમ ક્ષમતાથી તબીબી સેવાઓ આપવામાં આવી રહી છે. તેમ જણાવી ડો. સુશીલ કુમારે કહ્યું કે, આજે સૌના સહકારની જરૂર છે. દર્દીઓની સારવારમાં અમે કોઇ કમી રહેવા દેશું નહીં.જુનાગઢ સિવિલમાં ઓકસીજન સાથે સારવાર મેળવનાર બાટવાના મુક્તાબેન કવા કહે છે હુ સિવિલમાં આવી ત્યારે ઓક્સિજન લેવલ 60 હતું હવે તો ભગવાન બચાવે તેવી પ્રાર્થના કરતી હતી. પરંતું સિવિલમાં ઓક્સિજન બેડ મળ્યો અને ડોક્ટરોને જરૂર જણાતા પાંચ રેમડેસીવીર ઇંજેક્શન આપવામાં આવ્યા તેના પરિણામે આજે હું મારા પરિવાર સાથે છું. આ હોસ્પિટલ આજે અનેક દર્દીઓના જીવન બચાવી રહી છે. જ્યારે બાટવાના જ ભાવનાબેન મકવાણાનું ઓક્સિજન લેવલ 65 હતું.
ખાનગી હોસ્પિટલમાં ખર્ચની સમસ્યા સાથે બેડની સમસ્યા પણ હતી. આ બેન કોરોના પેશન્ટ તરીકે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. અને ઓક્સિજન બેડની સવલત મળતા સિવિલના તબીબો દ્વારા સારવાર શરૂ થઈ હતી અને 6 દિવસની સારવારના અંતે આ બહેન સ્વસ્થ થાય હતા. તેમના જણાવ્યા અનુસાર અહીં રોજ 120 જેટલાં કોરોના પોઝીટીવ દર્દીઓ સ્વસ્થ થઇને ઘરની વાટ પકડે છે. સિવિલ હોસ્પિટલની સારવારથી મને નવી જિંદગી મળી છે.
દિવસે તો તબીબો અને પેરામેડીકલ સ્ટાફ સારવાર દેખભાળ કરે જ પરંતું રાત્રે પણ 3 થી 4 વાર અમારી તપાસ કરતા. આ મારો જાત અનુભવ છે. આજે હું મારા પરિવાર સાથે છું, માત્ર ને માત્ર સરકારી સિવિલ હોસ્પિટલ થકી.