ન્યારી-2 ડેમ 70 ટકા ભરાયો: રૂલ લેવલ જાળવી રાખવા ગમે ત્યારે દરવાજા ખોલાશે: હેઠવાસના ગામોનાં લોકોને સાવચેત કરાયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોનો જળ વૈભવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 30 જળાશયોમાં માતબર નવા નીરની આવક થવા પામી છે. હજી ધીમી ધારે જળાશયોમાં પાણીની આવક સતત ચાલુ જ છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન 30 ડેમની સપાટીમાં વધારો થયો છે. રાજકોટ જિલ્લાના સૌથી મોટા એવા ભાદર ડેમમાં 2.20 ફૂટ નવા નીરની આવક થવા પામી છે.ડેમ સાઈટ પર ગઈકાલે 38 મીમી વરસાદ પડયો હતો 34 ફૂટે ઓવરફલો થતા અને 6644 એમસીએફટીની જળ સંગ્રહ શકિત ધરાવતા ભાદરની જીવંત જળ સપાટી 17.30 ફૂટે પહોચી જવા પામી છે. ડેમમાં 1359 એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે. ઉંડાઈની દ્રષ્ટિએ ડેમ 50 ટકા સુધી ભરાય ગયો છે. આ ઉપરાંત મોજ ડેમમાં નવું 0.43 ફૂટ, ફોફળ ડેમમાં 1.57 ફૂટ, આજી 1 ડેમમાં 0.75 ફૂટ, આજી 3 ડેમમાં 0.95 ફૂટ, સુરવો ડેમમાં 0.33 ફૂટ, ડોંડી ડેમમાં 2.95 ફૂટ, ન્યારી 1 ડેમમાં 1.97 ફૂટ, ફાડદંગ બેટીમાં 8.04 ફૂટ, છાપરવાડી 1 ડેમમાં 1.31 ફૂટ, કરમાળમાં 6.56 ટકા, અને કણુંકી ડેમમાં 4.49 ફૂટ પાણીની આવક થવા પામી હતી. રાજકોટ જિલ્લાના 27 ડેમમાં 35.90 ટકા પાણી સંગ્રહિત છે.
મોરબી જિલ્લાના મચ્છુ-2 ડેમમાં 0.30 ફૂટ, જામનગ જિલ્લાના સસોઈ ડેમમાં 1.21 ફૂટ, પન્ના ડેમમાં 0.98 ફૂટ, સપડા ડેમમાં 1.94 ફૂટ, ફુલઝર-2 ડેમમાં 3.94 ફૂટ, ઉંડ-3 ડેમમાં 1.15 ફૂટ, રંગમતીમાં 3.94 ફૂટ, ઉંડ 1 ડેમમાં 4.59 ફૂટ, વાડીસંગમાં 1.38 ફૂટ અને રૂપારેલ ડેમમાં 1.77 ફૂટ પાણીની આવક થવા પામી છે. જામનગર જિલ્લાના 21 ડેમમાં 33.45 ટકા પાણી સંગ્રહિત છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધી ડેમમાં 0.82 ફૂટ, વર્તુ-1 ડેમમાં 1.31 ફૂટ, વર્તુ-2ડેમમાં 0.49 ફૂટ, શેઢાભાડથરીમાં 2.85 ફૂટ, સીંધણીમાં 1.48 ફૂટ અને વેરાડી 2માં 1.15 ફૂટ, પાણીની આવક થવા પામી છે. જિલ્લાના 12 ડેમમાં 14.15 ટકા પાણી સંગ્રહિત છે. જયારે પોરબંદરનાં સોરઠી ડેમમાં 0.59 ફૂટ પાણીની આવક થવા પામી હતી.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી – 2 ડેમમાં 70 % પાણી ભરાયેલ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના ઘટમાં આવેલા પડધરી તાલુકાના ખામટા ગામના તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવ્યું છે.