આ વર્ષે ઘઉંના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે ઉંચા જતા સિઝનમાં ઘઉં ભરાવવા માંગતા લાખો ગરીબ-મધ્યમવર્ગીય પરિવાર માટે ભારે મુશ્કેલી સર્જાઇ ગઇ છે. ગત વર્ષ કરતા આ વર્ષે 100 કિલો ઘઉંના ભાવમાં 500 લઇને 700 રૂપિયા સુધીનો તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગુણવત્તા પ્રમાણે ગત વર્ષે 2,000થી લઇને 2,800 રૂપિયામાં પ્રતિ ક્વીંટલ મળતા ઘઉંનો ભાવ આ વર્ષે બજારમાં ઘઉંની ગુણવત્તા મુજબ 2,500થી 3,500 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મતે ઘઉંના આટલા બધા ભાવ ક્યારેય જોવા મળ્યા નથી. છેલ્લા 25 વર્ષની વાત કરીએ તો આ ભાવ ખેડૂતોએ જોયો નથી કે આ ભાવે ગ્રાહકોએ ખરીદી કરવી પડી હોય તેવું બન્યું નથી.
મોંઘવારીએ ચારેબાજુથી ભરડો લીધો છે. જેમાં સામાન્ય વર્ગ બરાબરનો પિસાઇ રહ્યો છે, જીવનજરૂરી ખાદ્યચીજવસ્તુઓના ભાવ પણ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. જેણે ચિંતા વધારી મૂકી છે. ઘઉંના ચાલુ વર્ષે વધેલા ભાવ અંગે
અનાજ પકવતા ખેડૂતો માટે આ સારી સ્થિતિ છે . ગત વર્ષે ખેડૂતોને મણે 345 થી 350 નો જ ભાવ મળ્યો હતો. આ વર્ષે રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે નવા ઘઉં, ધાણા અને જીરું સહિતના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં આવે છે. રાજકોટમા માર્કેટ યાર્ડમાં 1450 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 547થી 640 રૂપિયા મળ્યા હતા.
જોકે બીજી તરફ આ ભાવ વધારાનો સીધો બોજો ગ્રાહકો પર જ પડનાર હોવાથી ગરીબોના ઘરમાં હવે ઘઉં પણ એક મોંઘી વસ્તુ બની રહેશે. ઘઉંમાં ભાવ વધારા અંગે વેપારીનું માનવું છેકે હવામાનના કારણોસર આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે. વિઘે 45 મણ ઘઉં પાકતા હતા તેની સામે આ વર્ષે 30 થી 35 મણ ઘઉંનું ઉત્પાદન જોવા મળ્યું છે.
આ વર્ષે ખેડૂતોએ ઘઉંનો સંગ્રહ કર્યો નથી. ભાવ સારા મળતા બારોબાર ઘઉં વેચી દીધા છે. બજારમાં ઘઉં 496, એમ.પી.શરબતી, ઇનોવા, સોનેરી ટુકડા લોકવન સારી ગુણવત્તાવાળા ઘઉં ગણાય છે લોકોમાં તેની ભારે માંગ હોય છે.
અમુક ગ્રાહકો રૂ.750થી વધુ ભાવ દેવા માટે તૈયાર: વેપારી
અબતક સાથેની ઘઉંના વેપારી જીતેશભાઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દર વર્ષ ના પ્રમાણમાં આ વર્ષે ઘઉંના ભાવમાં ઘણો જ વધારો જોવા મળી રહ્યો છે ઘઉમાં સોનેરી ટુકડા 690 થી લઈને 750 સુધીની જુદી જુદી વકલ જોવા મળી રહે છે હાથ વિણાટ અને ઓર્ગેનિક ઘઉં માટે અમુક ગ્રાહક 750 થી વધુ ભાવ દેવા માટે તૈયાર થાય છે.
ઘઉંના ભાવમાં ઘણો વધારાને કારણે બજેટ ખોરવાયું: ગૃહિણી
અબતક સાથેની વાતચીતમાં ઘઉંની ખરીદી કરવા માટે આવેલા ગૃહિણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ઘઉંના ભાવમાં ઘણો વધારો હોવાથી દર વર્ષે હાથ વીણાટ ઘઉં ખરીદતા હતા પરંતુ આ વર્ષે ભાવ વધારાને કારણે જાતે જ સાફ કરવા પડશે જો વીણાટ ઘઉં લઈએ તો બજેટ ખોરવાય જાય તેમ છે.