2,20,248 પ્રામાણીક કરદાતાઓએ કોર્પોરેશનની તીજોરીમાં 138 કરોડ ઠાલવી દીધાં: 10 ટકા વેરા વળતર યોજના 31મી મેએ પૂર્ણ: જૂનમાં પાંચ ટકા વળતર અપાશે
એડવાન્સ ટેક્સ ભરી રાજકોટના વિકાસમાં સિંહફાળો આપી રહેલા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં દર વર્ષે સતત વધારો થઇ રહ્યો છે. 2,20,248 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભરી કોર્પોરેશનની તીજોરીમાં રૂ.139 કરોડ ઠાલવી દીધા છે. ગત વર્ષની સરખામણીએ આજ સુધીમાં વેરા વળતર યોજનાનો લાભ 7 હજારથી વધુ કરદાતાઓએ લીધો છે. જેના કારણે આવકમાં 8 કરોડનો વધારો થયો છે. આગામી 31મી મે સુધી વેરામાં 10 ટકા વળતર આપવામાં આવશે. જ્યારે જૂન માસમાં વળતરની ટકાવારી અડધી એટલે કે પાંચ ટકા થઇ જશે.
કોર્પોરેશનની ટેક્સ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત નાણાકીય વર્ષમાં આજ સુધીમાં 2,13,402 કરદાતાઓએ 10 ટકા વેરા વળતર યોજનાનો લાભ લઇ કોર્પોરેશનની તીજોરીમાં રૂ.130.89 કરોડ જમા કરાવ્યા હતા. આ વર્ષે એડવાન્સ ટેક્સ ભરનારા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આજ સુધીમાં 2,20,248 કરદાતાઓએ કોર્પોરેશનની તીજોરીમાં 138.91 કરોડ ઠાલવી દીધા છે. અગાઉ થોડા વર્ષો પહેલા ટેક્સ રિબેટ યોજના અંતર્ગત કોર્પોરેશનના સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે કરદાતાઓની લાંબી લાઇનો લાગતી હતી. પરંતુ ઓનલાઇન વેરો સ્વિકારવાની કામગીરી શરૂ કરાયા બાદ દિનપ્રતિદિન સ્માર્ટ કરદાતાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કરદાતાઓ વેરો ભરવા માટે કોર્પોરેશનની કચેરીએ લાંબા થવાના બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરી આંગળીના વેઢે વેરો ભરપાઇ કરી રહ્યા છે. 1,57,470 આસામીઓએ ઓનલાઇન વેરો ભર્યો છે. જેની રકમ રૂ.93.27 કરોડ થવા પામે છે. જ્યારે 62,778 કરદાતાઓએ વેરો ભરવા માટે કોર્પોરેશનની કચેરી સુધી ધક્કો ખાધો હતો અને 45.64 કરોડ જમા કરાવ્યા છે. હાલ વેરા વળતર યોજના અંતર્ગત 139 કરોડ જેવી આવક થવા પામી છે. જે 200 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. આગામી 31મી મે સુધીના સમયગાળામાં ચાલુ નાણાકીય વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાને 10થી લઇ 17 ટકા સુધી વળતર આપવામાં આવશે. જ્યારે જૂન માસમાં વેરો ભરનારને 5 થી 17 ટકા વળતર આપવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ બ્રાન્ચને 410 કરોડનો તોતીંગ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. વળતર યોજના પૂર્ણ થતાની સાથે જ ટેક્સ બ્રાન્ચ દ્વારા હાર્ડ રિક્વરી શરૂ કરવામાં આવશે.