રોજના ૩૦૦ થી વધુ વાહનોમાં પાણીની હેરાફેરી: તંગી વધે તેમ વધી રહેલા ભાવ
જામનગર શહેર-જીલ્લામાં ચાલુ વર્ષમાં ખુબ જ ઓછો વરસાદ પડતા નદીઓ, ડેમો, ચેકડેમો, બોર, કુવાઓ તળીયા ઝાટક થયા બાદ લોકો માટે તો સરકારી રાહે પાણીની વ્યવસ્થા થઇ છે. છતાં પાણીની વધુ માંગના કારણે પાણીનો વેપલો ખુબ જ વધવા પામ્યો છે. સાથે સાથે પાણીના ભાવોમાં પણ વધારો અંતર મુજબ જોવા મળ્યો છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દૈનિક ૩૦૦ જેટલા સ્થળોએ પાણીના છકડા, ટ્રેકટર અને ટેન્કરો દ્વારા વેચાતુ પાણી મંગાવવામાં આવે છે. જામનગર શહેરમાં અને જીઆઇડીસી માં મળીને કુલ પ૦ જેટલા પાણી વિક્રેતાઓ પાણી વેંચી રહ્યા છે.
હાલ ચાલતા બજારભાવની વાત કરીએ તો ખરીદવામાં આવતા પાણીના ભાવ મોટે ભાગે અંતર પર નકકી થાય છે. મંગાવવામાં આવેલા પાણીને ઠાલવવાનું સ્થળ દુર હોય તો ભાવ વધી જાય છે.
શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં મહાનગરપાલિકા દૈનિક ૧૮ ટેન્કર ના ૧૦૦ થી ફેરા કરી પાણી પહોચાડે છે. છતાં સંખ્યાબંધ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ તેમજ જીઆઇડીસીના ઉઘોગકારોને ખાનગી ધંધાર્થી પાસેથી પાણી મેળવવું પડે છે.
પાણીના ધંધાર્થીઓ આસપાસના અમુક ગામમાં આવેલા પોતાના જળસ્ત્રોતો તેમજ કેટલાક હયાત ખાનગી માલીકીના બોરમાંથી પાણી મેળવી પાણીનો ધંધો કરે છે. હાલ વધુ માંગના કારણે પાણીના ભાવ પણ ઉંચકાયા છે.