આજે વિધાનસભામાં ધારાસભ્યોના પગારવધારાની દરખાસ્તને ભાજપ અને કોંગ્રેસ બંનેની મંજૂરી મળી ગઈ હતી. જે અનુસાર, ધારાસભ્યોને હવે દર મહિને 1,16,316 રુપિયા જેટલો તગડો પગાર મળશે.
નવી જોગવાઈ અનુસાર, સીએમ, વિરોધપક્ષ નેતા, મંત્રીઓ, સ્પીકર, દંડક તેમજ ઉપદંડક જેવા પદાધિકારીઓને ધારાસભ્યો કરતા વધુ પગાર મળશે. તમામ પદાધિકારીઓનો પગાર વધારીને 1.32 લાખ રુપિયા કરવામાં આવ્યો છે. ધારાસભ્યોને અપાયેલા પગારવધારાથી સરકારની તિજોરી પર 10 કરોડ રુપિયાનો વધારાનો બોજ પડશે.
ગુજરાતના ધારાસભ્યોને અગાઉ 70,727 રુપિયા માસિક પગાર મળતો હતો. જેને હવે વધારીને 1.16 લાખ કરી દેવાયો છે. આ પગારવધારો હાલના ધારાસભ્યોએ શપથ લીધા ત્યારથી, એટલે કે 22 ડિસેમ્બર 2017ની પાછલી અસરથી લાગુ પડશે. મહત્વનું છે કે, તેલંગાણામાં ધારાસભ્યોને મહિને અઢી લાખ રુપિયા પગાર અને ભથ્થા મળે છે, જ્યારે દિલ્હીમાં ધારાસભ્યને મહિને 2.10 લાખ પગાર મળે છે.
ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા 182 ધારાસભ્યો પૈકી 141 એટલે કે 77 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. 2012માં 134 ધારાસભ્યો કરોડપતિ હતાં. પરંતુ આ વખતે સંખ્યા વધી 141 પર પહોંચી છે. જેમાં ભાજપના સૌથી વધુ 84 ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 54 ધારાસભ્યો કરોડપતિ હોવાનું જાણવા મળે છે. રૂ. 10 કરોડથી વધુ સંપતિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 33 જેટલી છે.
આ વખતે ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપતિ રૂ. 8.46 કરોડ જેટલી છે. 2012માં ધારાસભ્યોની સરેરાશ સંપતિ રૂ. 8.03 કરોડ હતી. સૌથી વધુ સંપતિ ધરાવતા ધારાસભ્ય તરીકે બોટાદના સૌરભ પટેલ છે, જેમની સંપતિ રૂ. 123 કરોડ છે. જ્યારે સૌથી ઓછી સંપતિ ધરાવતા ધારાસભ્ય તરીકે વડગામના જીગ્નેશ મેવાણી છે. જીગ્નેશ મેવાણીની સંપતિ રૂ. 10.25 લાખ છે.
182 ધારાસભ્યો પૈકી ઘણા ધારાસભ્યોએ ઊંચુ શિક્ષણ મેળવ્યું હોવાનું જાણવા મળે છે. જેમાં 3 ધારાસભ્યો એવા છે કે જેમણે ડોક્ટરેટની પદવી મેળવી છે. જ્યારે 9 ધારાસભ્યો પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ મેળવી ચુકેલા છે. 23 ધારાસભ્યોએ પ્રોફેસનલ ગ્રેજ્યુએશન કર્યુ છે અને 34 ધારાસભ્યો ગ્રેજ્યુએટ થયેલા છે. 12 પાસ હોય તેવા ધારાસભ્યોની સંખ્યા 30 છે. જ્યારે ધોરણ-10 પાસ હોય તેવા ધારાસભ્યોની સંખ્યા 44 છે. 15 ધારાસભ્યો ધોરણ-8 પાસ છે. જ્યારે ધોરણ-5 પાસ હોય તેવા ધારાસભ્યોની સંખ્યા 7 છે અને 7 ધારાસભ્યો માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે.