જુન મહિનામાં રૂ.83નો ઘટાડો કરાયા બાદ એક માસમાં રૂ.7નો વધારો ઝીંકાયો: 19 કિલોના સિલિન્ડરનો નવો ભાવ રૂ.1780
ગેસ એજન્સી દ્વારા આજે 19 કિલો વજન ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 7 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જો કે ધરેલું રાંધણ ગેસના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવો ભાવ રૂ. 1780 થઇ ગયો છે.
ગેસ એજન્સીઓ દ્વારા ગત 1 જુનના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 83 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવ રૂ. 1773 હતા. દરમિયાન એક મહિના બાદ આજે સવારે ગેસ એજન્સીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવો ભાવ રૂ. 1780 થઇ ગયો છે. ધરેલું રાંધણ ગેસના ભાવમાં કોઇ વધારો ઘટાડો કરવામાં આવ્યો નથી. બીજી તરફ સીએનજી કે પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરાયો નથી.
ફરી ઉછળ્યા સિંગતેલના ભાવ ડબ્બે રૂપિયા 20નો વધારો
સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. સીગતેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2890 રૂપિયાએ પહોંચી ગયો છે.
જૂનની શરૂઆતમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2720 હતો અને જુલાઈની શરૂઆતમાં આ જ ડબ્બાનો ભાવ રૂ. 2870નો થયો છે. આમ એક જ મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂ.150થી વધુનો ભાવ વધારો થયો છે. તો આજે ફરી સિંગતેલના ભાવ વધતા ડબ્બાની કિંમત રૂ.2890એ પહોંચી ગઈ છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ ખોરવાયું છે. તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે.