અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૦૦ને પાર: એક જ દિવસમાં વધુ ૩૧ કેસ નોંધાયા
રાજ્યભરમાં કોરોના કોવિડ ૧૯ વાયરસનો ફેલાવો દિનપ્રતિદિન વધતો રહ્યો છે. કોરોના વાયરસ અત્યાર સુધી ૧૯ જિલ્લાઓમાં પગ પેસારો કરી ચુક્યો છે. ગુજરાતમાં કલસ્ટરના કારણે પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં વધુ ૫૪ કેસ પોઝિટિવ આવતા આંકડો ૪૩૨ સુધી પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં એપિસેન્ટર બનેલા અમદાવાદમાં જ અડધો અડધ ૨૨૮ કેસ નોંધાયા છે. જયારે રાજકોટમાં હોટસેન્ટર બનેલા જંગલેશ્વર વિસ્તારમાં ૯ પોઝિટિવ કેસ નોંધાતા પોલીસ નો કાફલો સજ્જ કરી દેવામાં આવ્યો હતો. આજ રોજ જંગલેશ્વરમાં ફરજ બજાવતા હોમગાર્ડની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં ખસેડી સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
ગુજરાતમાં ક્લસ્ટરના કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ ૫૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંના અડધો અડધ કેસ માત્ર એપિસેન્ટત બનેલા અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમા અત્યાર સુધી કુલ ૪૩૨ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૧૯ દર્દીઓના મોત નિપજ્યા છે. કલસ્ટરના કારણે આરોગ્યતંત્ર દ્વારા વધુ ને વધુ સેમ્પલોની ચકાસણી કરવામાં આવતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી રહી છે.
ભરૂચમાં પણ એક સાથે કુલ ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. ઇખર ગામમાં તમિલનાડુથી ટ્રેન મારફતે ભરૂચ આવ્યા બાદ તેમનું પરિક્ષણ કરતા સાત દર્દીઓને કોરોના પોઝિટિવ આવતા તેમને આઇશોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંના ચાર દર્દીઓના તબલિગી જમાતના ના સંપર્કના કારણે ચેપ લાગ્યો જોવાનું જાણવા મળતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે આણંદમાં પણ વધુ ૩ દર્દીઓના કેસ પોઝિટિવ નોંધાતાં આણંદ જિલ્લામાં કુલ ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટમાં ગઈ કાલે વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાતા કુલ ૧૮ લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ રાજકોટવાસીઓ માટે ખુશી ના સમાચાર પણ આવી રહ્યા છે. જેમાં કોરોના પોઝિટિવ ના સાત દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં પણ આવી હતી. હાલ રાજકોટમાં કોઈ પણ દર્દી વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યું નથી. સારવારમાં રહેલા તમામ પોઝિટિવ દર્દીની હાલત સ્થિર જણાવી રહી છે.રાજકોટમાં સિટીના ૫૯, ગ્રામ્ય વિસ્તારના ૮ અને અન્ય જિલ્લાના ૮ સેમ્પલના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવતા તેમાંથી ૪૯ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા જ્યારે વધુ ૨૬ સેમ્પલના રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે.
રાજકોટના જંગલેશ્ર્વરમાં ફરજ બજાવતા હોમગાર્ડની તબિયત લથડી
ગુજરાતભરમાં કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે પ્રજાજનોની રક્ષામાં તબીબોની સાથે પોલીસ કર્મચારીઓ પણ પોતાની પરવાહ કર્યા વગર બહાદુરીથી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કુલ ૧૮ કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે તેમાંથી ૯ પોઝિટિવ દર્દી માત્ર હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાં જ નોંધાયા છે. ત્યારે પોલીસ કર્મચારી દ્વારા સતત જંગલેશ્વરમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે બે દિવસથી હોટસ્પોટ માં ફરજ બજાવતા હોમગાર્ડની તબિયત લથડતા તેને કોરેન્ટાઇન કરી તેના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. સતત પ્રજાની રક્ષામાં રહેતા પોલીસ કર્મચારીને પણ કોરોનાની અસર છે કે કેમ તે જાણવા માટે રિપોર્ટ ની રાહ જોવાઇ રહી છે.