શિહોરમાં વિપ્ર વૃધ્ધની હત્યા: ઉપલેટાના તબીબી સાથે ઓન લાઇન ઠગાઇ, શાપરના કારખાનેદાર સાથે મિની ટ્રેકટરની છેતરપિંડી: સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોએ વિપ્ર યુવાનનું મકાન પડાવ્યું: અમરેલીના નાગેશ્વર ને ધારીમાં બંધ મકાનમાં થઇ ચોરી
સૌરાષ્ટ્રમાં આર્થિક મંદીના કારણે ખૂન, ઠગાઇ, છેતરપિંડી, ચોરી અને લૂંટના ગુનાખોરીમાં શેર બજારના ઇન્ડેકસની જેમ ઉચકાયો છે. દિન, પ્રતિદિન ગુનાખોરીમાં વધારો થઇ રહ્યો છે. શિહોરમાં વિપ્ર વૃધ્ધની હત્યા, ઉપલેટના તબીબ અને શાપરના કારખાનેદાર સાથે છેતરપિંડીના ભોગ બન્યા છે. સુરેન્દ્રનગરના વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાતા મકાન ગુમાવ્યું છે. જ્યારે અમરેલીના ધારી અને નાગેશ્ર્વરમાં બંધ મકાનમાં ચોરી થયાની ઘટના પોલીસમાં નોંધાઇ છે.
શિહોરના રબારીકાના વિપ્ર વૃધ્ધની હત્યા
સિહોર તાલુકાના રબારીકા ગામે રહેતા અને ગૌશાળા ચલાવતા ભૂપતભાઇ જાની નામના વિપ્ર વૃધ્ધની ગતરાત અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના અમદાવાદ રહેતા પુત્ર હિમાન્શુભાઇ જાનીએ ભાવનગર રહેતા કુટુંબી ભાવેશ રવજી જાની, રબારીકાના ભદ્રેશ વાલજી જાની, શિહોરના વિજય ટાંક અને તેનો મળતીયો મોટા સુરકા ગામના હમીર જોટાણા અને દેવગણા ગામે રહેતા હિમાન્સુભાઇના સાળા નરેશ ઉર્ફે લતિફ નંદલાલ જાળેલાએ હત્યા કર્યાની શંકા વ્યક્ત કરી છે.
ભાવેશ જાની અને ભદ્રેશ જાની સાથે કુટુંબીક તકરાર હોવાથી હત્યા કર્યાની શંકા વ્યક્ત કરી છે. જ્યારે વિજય ટાંકે મૃતક ભૂપતભાઇ જાની પાસેથી ૧૨૫ ગાયની ખરીદી કરી હતી તેના પૈસાની લેતી-દેતી બાબતે વિજય ટાંકે પોતાની પાસે રહેલી રિવોલ્વર બતાવી ‘આ જોવા માટે નથી’ કહી ધમકી દીધી હતી ત્યારે તેની સાથે હમીર જોટાણા પણ વિજય ટાંક વતી અવાર નવાર ધમકી આપતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જયારે હિમાન્શુ જાનીએ દેવગણાની હંસાબેન સાથે સાત વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેઓ સાથે સંબંધ ન હોવાથી સાળા નરેશ ઉર્ફે લતિફે હત્યા કરી હોવાની શંકા વ્યકત કરી છે.
ઉપલેટામાં તબીબ સાથે રૂ. ૩.૭૫ લાખની છેતરપિંડી કરતો ઠગ
એસ.બી.આઈ. બેંકમાંથી મેનેજર બોલુ છુ તેમ કહી ઓટીપી મેળવી ભેજાબાજે કર્યો ઓન લાઈન ટ્રાન્જેકશન કરી ઠગાઈ
ઉપલેટામાં આવેલી કોર્ટેજ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા રાજકોટના તબીબ સામે ભેજાબાદ સખસએ રૂ.૩.૭૫ લાખની છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરતા ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગેની વિગત મુજબ રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી ગીતગુર્જરી સોસાયટીમાં રહેતા અને અગાઉ સુપ્રિડેન્ટન્ટ તરીકે કોર્ટેજ સરકારી હોસ્પિટલ ઉપલેટા ખાતે ફરજ બજાવતા અને હાલ બે વર્ષથી નિવૃત થયા બાદ હાલ ત્રણ કલાક કોર્ટેજ સરકારી હોસ્પિટલમાં ડોકટર તરીકે સેવા આપતા રશ્મીકાંતભાઈ ચત્રભૂજભાઈ કુબાવત ઉ.૬૫ નામના વૃધ્ધ્ તબીબ ગઈ તા.૧.૧૦ના રોજ પોતે ઉપલેટા હોસ્પિટલમાં ફરજ પર હતા ત્યારે તેઓને મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો કે હું એસબીઆઈ બેંકના મેનેજર બોલું છું અને મારે બેંકના કામકાજ માટે ઓટીપીની જરૂર છે. તમારા મોબાઈલમાં આવેલો ઓટીપી મને આપો ત્યારે તબીબે મોબાઈલમાં આવેલા ઓટીપી આપ્યો હતો સાંજે તબીબ પોતાના ઘરે આવ્યા ત્યારે તેના મોબાઈલ ફોન પર એસબીઆઈ બેંકના
૧૧ મેસેજ આવ્યા હતા તેઓએ ચેક કરતા તેના બેંક એકાઉન્ટમાંથી રૂ૩૭૮૦૦૦ લાખની રોકડની છેતરપીંડી ઓનલાઈન ટ્રાન્જેકશન કરી કોઈ અજાણ્યા શખસએ કરી હોવાનું માલુમ પડતા તેઓએ ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવના પગલે હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ લુણાચીયાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
અમરેલીના કોઠા પીપરીયામાં ગામે રૂ.૨.૫૩ લાખની મત્તા ચોરાઇ
અમરેલીના ધારી નજીક આવેલા કોઠા પીપરીયા ગામે રહેતા જીજ્ઞેશભાઇ ધીરૂભાઇ સરધારા પરિવાર સાથે ઘરે સુતા હતા ત્યારે તસ્કરોએ તેઓની ઉંઘમાં ખલેલ પાડયા વિના તિજોરીમાંથી રૂ.૨.૫૩ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા અને રોકડની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે નાગેશ્વરી રહેતા લક્ષ્મીબેન ઉર્ફે કમળાબેન બેચરભાઇ સરવૈયાના બંધ મકાનને તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવી રૂ.૮૪ હજારની મત્તા ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે. લક્ષ્મીબેન મજુરી કામે ગયા હતા તે દરમિયાન તસ્કરો હાથફેરો કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે
સુરેન્દ્રનગરના વેપારીએ વ્યાજના ચકકરમાં મકાન ગુમાવ્યુ
સુરેન્દ્રનગરના સી.જે.હોસ્પિટલ સામે રહેતા અભિષેક મહેલુભાઇ શેઠને ધાક ધમકી દઇ સુરેન્દ્રનગરના વિજયભાઇ કાઠી અને જીતુભાઇ ધાધલે રૂ.૩૫ લાખની કિંમતનું મકાન પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદમાં લોખંડના વેપારી અભિષેક શેઠે તેના પરિચીત વિજયભાઇ કાઠી પાસે રૂ.૪.૭૫ લાખ ધંધા માટે વ્યાજે લીધા હતા. દરમિયાન વિજયભાઇ કાઠી ખૂન કેસમાં જેલ હવાલે થયા ત્યારે તેઓને રૂ.૩ લાખ આંગડીયા દ્વારા જીતુભાઇ ધાધલને ચુકવી દીધા હોવા છતાં વ્યાજનું વ્યાજ ગણીને રૂ.૩૫ લાખની કિંમતનું સુરેન્દ્રનગર ખાતેનું મકાન પડાવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
શાપરની કારખાનેદાર સાથે રૂ.૧.૬૦ લાખની છેતરપિંડી
શાપર-વેરાવળ ખાતે આવેલા ડી.કે.ડિઝલ નામના કારખાનેદારમાં કામ કરતા શ્રમજીવી દિનેશભાઇ ગોવિંદભાઇ ડાંગરે જામનગર તાલુકાના જોડીયા તાલુકાના પીઠળ ગામના રમણીક ચમન પઢીયાર, રમેશ અને એક અજાણ્યા શખ્સે રૂ.૧.૬૦ લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રમેશે પઢીયારે ડી.કે.ડિઝલના માલિકને ફોન કરી ડેમો માટે મીની ટ્રેકટર જોવા માટે ટંકારા તાલુકાના ધૂનડા ખાનપર ગામે મગાવ્યું હતુ ત્યારે ટંકારા ચા-પાણી પીધા બાદ પેમેન્ટ કરવાનું કહી ટ્રેકટર લઇ ત્રણેય શખ્સો રફુચકર થઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.