- વરાછા પોલીસ સ્ટેશનમાં વધુ એક હનીટ્રેપની નોંધાઈ ફરિયાદ
- પ્રવીણ ભાલાળા અને એક મહિલા સામે નોંધાઈ ફરિયાદ
- રેપના કેસમાં ફસાવી ધમકી આપી ફરિયાદી પાસેથી રૂ. 14 લાખ પડાવી લીધા
- વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનમાં વધુ એક હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી. પુણાગામે રહેતા સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ દરમિયાન પ્રવીણ ભાલાળા અને એક મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરીયાદીને લોનના બહાને મહિલા પાસે ફોન કરાવી ત્યારબાદ કાવતરું કર્યું હતું. તેમજ દિવ્યા ઉર્ફે દક્ષા મારફતે ફરિયાદી ના અર્ધ-નગ્ન હાલતમાં યુગલ રોમાન્સ માણતા હોઈ તેવા 2 વિડીયો કલીપ/ફોટા પાડી લીધા હતા. રેપના કેસમાં ફસાવી ધમકાવી ફરિયાદી પાસે રૂ. 14 લાખ પડાવી લીધા હતા. વરાછા પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઓરિસ્સા કટક ખાતે રહેતા વૃદ્ધને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 6.16 કરોડ ઓનલાઇન પડાવી લઈ છેતરપિંડી કરવાના ગુનામાં સુરતના સમાજસેવક પ્રવીણ ભાલાળાનું પહેલા નામ ખૂલ્યું હતું. સાયબર ફ્રોડના કેસમાં પ્રવીણ ભાલાળાનું નામ આવતા તે હાલ ફરાર થયો છે.
આ દરમિયાન પ્રવીણ ભાલાળા અને અન્ય દિવ્યા ઉર્ફે દક્ષા મારફતે નામની મહિલા સામે હની ટ્રેપ કરીને 14 લાખ પડાવ્યાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવીણ ભાલાળાએ ફેસબુકમાં વીડિયો મૂકીને આ બાબતે એક નિવેદન પણ જાહેર કર્યું છે.
અનુસાર માહિતી પ્રમાણે, 2014-15માં લેસ પટ્ટીના વેપારી સામાજિક આગેવાન પ્રવીણ ભાલાળાના સંપર્કમાં આવ્યો હતો.
લેસ પટ્ટી એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રવીણ ભાલાળાને નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વેપારી તેના સંપર્કમાં આવ્યો હતો. પુણાગામ ખાતે આવેલી પ્રવીણ ભાલાળાની ઓફિસ પર લેસ પટ્ટીનો વેપારી અને તેના મિત્રો માત્ર બેસવા જતા હતા. આ દરમિયાન 2015ના ઓગસ્ટ મહિનામાં એક મહિલાએ દિવ્યા ઉર્ફે દક્ષા તરીકે પોતાનો પરિચય આપીને ફોન પર લોનના બહાને વાતચીત કરી હતી. જોકે લેસપટ્ટીના વેપારીએ કોઈ રીપ્લાય આપ્યો ન હતો. એક અઠવાડિયા બાદ દિવ્યા ઉર્ફે દક્ષાએ બે બિભત્સ વીડિયો વોટ્સએપ પર મોકલ્યા હતા. ત્યારે પણ વેપારીએ કોઈ રીપ્લાય આપ્યો નહોતો.
દિવ્યાએ વોટસઅપમાં વાતચીત કરી વીડિયો મોકલી વેપારીને પુણાગામ ડી.આર.વર્લ્ડની બહારની બાજુએ મળવા બોલાવતા વેપારી મિત્ર સાથે કાર લઈને મળવા ગયો હતો. તેમજ વેપારી આવતા જ દક્ષાએ ફરવા જવાનુ કહેતા વેપારી કારમાં બેસાડીને પુણાગામ કેનાલ રોડ થઈને કામરેજ-વાવ બાજુ ગયા હતા ત્યારે દક્ષાએ આપણે હોટલમાં રૂમમાં જઈએ ત્યાં વાત કરીએ તેમ કહેતા નજીકમાં હોટલમાં ગયા હતા.
વેપારી પર અન્ય એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલ કે, હું છોકરીનો સંબંધી બોલુ છુ તેમ કહીને વેપારી સાથે ફોન ઉપર ગાળા ગાળી કરવા લાગતા ફોન કાપી ને પ્રવિણભાઇ ભાલાળાને ફોન કરીને બનાવ બાબતે જાણ કરી હતી. પ્રવિણ ભાલાળાને મળીને વાતચીત કરતા વેપારીને કહ્યું હતું કે તું ચિંતા નહિં કર, હું તારૂ કાંઇ થવા નહી દઉં હું પી.એસ.આઈ.ને મોટા વરાછા મળતો આવુ ” તેમ કહીને પ્રવિણ ગયો હતા. પરત આવ્યા બાદ પ્રવીણે જણાવ્યું હતું કે, અત્યારે બહુ ગંભીર મેટર થઈ ગઈ છે લોકોના ટોળા ભેગા થયા છે તેઓ ફરીયાદ કરવાની વાત કરે છે અહિંયાથી નહિં પતે એટલે મારે ઉપર લેવલે વાત કરવા જવુ પડશે તેમ કહીને વેપારીને ડરાવવામા આવ્યો હતો.
પ્રવિણ ભાલાળાએ વેપારીને રાત્રીનાં ફોન કરીને જણાવ્યું હતું કે, છોકરી અને તેનાં પરિવારવાળા ફરીયાદ પાછી ખેંચવાના 25 લાખ રૂપિયા માંગે છે, જો પૈસા નહી આપીએ તો ફરીયાદ કરવાની વાત કરે છે. જેથી વેપારીથી આટલી મોટી રકમની વ્યવસ્થા ન થઈ શકે એમ હોવા અંગે જણાવ્યું હતું. જેથી પ્રવીણ એ તેના મિત્રને પણ પસ્તાવાનો વારો આવશે અને બદનામ થઈ જશો તેવું કહીને ખૂબ જ ડરાવ્યા હતા. પ્રવીણ ભાલાળાએ મધ્યસ્થી કરીને 25 લાખમાંથી ઓછા કરાવવા માટેનું જણાવીને વેપારીને વિશ્વાસમાં લીધો હતો.
અંતે 14 લાખમાં સમાધાન થશે તેવું કહેતા વેપારીએ પોતાના મિત્ર અને બેન્ક એકાઉન્ટ માંથી તમામ રૂપિયા ઉપાડીને પ્રવીણ ભાલાળાને 14 લાખ રૂપિયા આપ્યા હતા.
વેપારીને પ્રવિણ ભાલાળા પર શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વેપારીને હનીટ્રેપનો શીકાર કરનાર દિવ્યા ઉર્ફે દક્ષા પ્રવિણભાઈ ભાલાળાને ત્યાં જ કામ કરે અને પ્રવિણ ભાલાળા દિવ્યા ઉર્ફે દક્ષા અને અન્ય છોકરીઓ સાથે મળીને આવા પ્રકારના જ કામ કરે છે. જોકે પ્રવિણ ભાલાળા સામાજીક આગેવાન તરીકે કામકાજ કરતા હોઈ તેઓ ઉંચી વગ ધરાવતા હોવાથી જે તે સમયે વેપારીએ કોઇ કાર્યવાહી કરી ન હતી. દરમિયાન સમાચારમાં 6 કરોડની છેતરપિંડીના કેસમાં પ્રવીણ ભાલાળા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાની જાણ થતા વેપારીમાં હિંમત આવી હતી અને પ્રવીણ ભાલાળા અને દિવ્યા ઉર્ફે દક્ષા નામની મહિલા વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાવી હતી.