બેનામી સંપતિ મામલે ‘ઇગલટમ રિસોર્ટ’ ના સંચાલકોની તપાસ માટે અધિકારીઓની ટીમ ત્રાટકી: ઉર્જામંત્રીને ત્યાં પણ દરોડા
ગુજરાતમાં રાજકીય સ્થિતિમાં ઉથલ પાથલ સમાન કોગ્રેસના છ ધારાસભ્યોના રાજીનામા આપવામાં આવ્યા બાદ બેંગ્લોરમાં આવેલ એક રીસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ૪ર ધારાસભ્યોને છેલ્લા ચાર દિવસથી એક જગ્યા પર જ રોકીને તેમને સંપર્ક વિહિન બનાવવામાં આવ્યા હતા. એ જ રીસોર્ટ પર ઇન્કમ ટેકસના દરોડા પડયા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બેંગ્લોરથી પ૦ કી.મી. દુર આવેલા ‘ઇગલટન રીસોર્ટ’ ખાતે આ ૪ર કોંગી ધારાસભ્યોને રોકી રાખવામાં આવ્યા હતા. ત્યાં ધારાસભ્યો દ્વારા એક ધારાસભ્યની બર્થડે પાર્ટી મનાવવામાં આવી હતી. આ ચર્ચા જગાવ્યા બાદ આ જ ગુજરાતના ૪ર કોંગી ધારાસભ્યો માટે ગુજરાતથી રસોઇયા મંગાવવાના સમાચાર બાદ આજે બેંગ્લોરના ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ રીસોર્ટના સંચાલકો સામે બેનામી સંપત્તિ મામલે દરોડા પાડવામાં આવ્યા હતા. અને ઇન્કમટેકસ અધિકારીઓની ટીમ ત્રાટકી હતી.
આ દરોડા પાડયા બાદ કોંગ્રેસ નેતા અહેમદ પટેલે આ દરોડા પાછળ ભાજપનો હાથ છે તેમજ હાલ ભાજપ હતાશ અને નિરાશ હોય તે કોઇપણ હદ સુધી જઇ શકે છે એવું નિવેદન આપ્યું હતું.
આ દરોડામાં હજુ કોઇ આંકડો બહાર આવ્યો નથી પરંતુ ‘ઇગલટન રીસોર્ટ’ નું નામ કોંગી ધારાસભ્યોના કારણે ચર્ચામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. કોંગી ધારાસભ્યોનું વ્યવસ્થાપન કરતા મંત્રીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઉજામંત્રી કે. શિવકુમારના ઘરે પણ આઇ.ટી. ડિપાર્ટમેન્ટ ત્રાટકયું હતું.