આવનારી વેબસીરિઝ ‘પ્રેમની પુરણપોળી’માં વાસણોમાંથી સાત સુરોની સરગમ: રાજકોટના એન્જિનિયરિંગના છાત્ર નમન પંડયાએ લખ્યું છે ટાઇટલ સોંગ
પંચમદા, આર.ડી.બર્મન, પુરા નામ રાહુલદેવ બર્મન. ફિલ્મી સંગીત ક્ષેત્રે પરંપરાગત વાદ્યો સિવાય સામાન્ય વપરાશમાં આવતી ચીજ વસ્તુઓમાંથી અચંબિત થનારા સુરો નિષ્પન્ન કરનાર સુરના બાજીગર એટલે આર.ડી.બર્મન. કાચના ગ્લાસ હોય કે પછી ખાલી સોડા બોટલ, લાકડાના બાબું પર ખરબચડી સપાટી બનાવી કાંસકા દ્વારા નિષ્પન્ન થતા બિન પરંપરાગત સુરોની લયબદ્ધતા સાંભળી શ્રોતા મંત્રમુગ્ધ થઈ જતો. આવી સર્જનશીલતા ભારતીય સિનેમાના સંગીત ઇતિહાસમાં ફરી ક્યારેય જોવા સાંભળવા મળી નથી.
જોકે તાજેતરમાં આવી સર્જનશીલતાનો નમૂનો ફરી એકવાર સાંભળવા મળતા એના વિશે જાણવાની જિજ્ઞાસા, ઉત્કંઠા એક ગુજરાતી સંગીતકારના દ્વાર સુધી ખેંચી ગઈ. વિષયને અનુરૂપ સંગીત પીરસવાની એમની જીદના કારણે આર.ડી વાળો ગોલ્ડન ઍરા તાજો થયો.
રસોડામાંથી ખખડતા વાસણો માંથી સાત સુરોની સરગમ તમે કલ્પી શકો ? આવનારી વેબ સિરીઝ “પ્રેમની પુરણપોળી”માં આ કમાલ કરી બતાવ્યો છે સમીર અને માના રાવલે. નાની ચમચીથી લઈને લોઢી, તવેથો, વેલણ, ચિપીયો, બરણી, કાચના ગ્લાસ, વિવિધ સાઈઝની તપેલી તેમજ નાની મોટી ડિશ સહિતના સ્ટીલના વાસણોમાંથી અકલ્પનિય સુર-તાલ વાળું ટાઇટલ સોંગ આ વેબ સિરીઝની હાઇલાઇટ છે. ટાઇટલ સોંગ રાજકોટના એન્જીનિયરિંગના છાત્ર નમન પંડિયાએ લખ્યું છે એને રાહુલ પ્રજાપતિએ સ્વર આપ્યો છે.
પાછલા નવ વર્ષથી મુંબઈમાં ફિલ્મી લાઈન સાથે સંકળાયેલા અને આ વેબ સીરિઝ ના ડાયરેકટર પ્રશાંત પટેલને કંઈક નવું કરવાની ચાહમાંથી વાસણો દ્વારા સુરતાલ પ્રયોજવાનો વિચાર સ્ફુર્યો હતો. જે વેબ સિરિઝનું નામ જ “પ્રેમની પૂરણપુરી” હોય ત્યાં વિષયને અનુરૂપ વાસણોનો અદભુત પ્રયોગ સર્જનાત્મકતા સાથે કરવા માટે સમીર-માના રાવલને પોતાનો વિચાર કહેવામાં આવ્યો અને જે એમના માટે પણ એક નવીન પ્રયોગ હતો.જેમને આ વિચારને ખૂબ સારી રીતે સમજીને ડાયરેકટરના વિચારને હકીકતમાં પરિવર્તન કરી બતાવ્યું જે ટૂંક સમયમાં આપ સૌને સાંભળવા મળશે.