૩૧૨૩ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી વળતરનો લાભ લીધો: વોર્ડ નં.૧૨ અને ૧૩માં કનેક્ટિવિટીની સમસ્યા સર્જાતા દેકારો
પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી કોર્પોરેશનની વેરા વળતર યોજનાનો આજથી શુભારંભ થયો છે. બપોર સુધીમાં ૩૧૨૩ કરદાતાઓએ ટેકસ ડીબેટનો લાભ લેતા કોર્પોરેશનની તિજોરીમાં ૧,૨૧,૩૭,૮૮૮ રૂપિયા જમા કરાવી દીધા હતા. એફડીએફસી બેંક અને યશ બેંકમાં વસુલાતની કામગીરી શરૂ ન થવાના કારણે કરદાતાઓને ધરમના ધકકા થયા હતા. આ ઉપરાંત કોર્પોરેશનના વોર્ડ નં.૧૨ અને વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસ ખાતે કનેકટીવીટીની સમસ્યા સર્જાતા ભારે દેકારો બોલી ગયો હતો.
વેરા વળતર યોજના અંતર્ગત એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને મહાપાલિકા દ્વારા વેરામાં ૧૦ ટકા અને મહિલાઓને નામે નોંધાયેલી મિલકતમાં ૧૫ ટકા વળતર આપવામાં આવે છે. આ ઉપરાંત ઓનલાઈન વેરો ભરનાર કરદાતાને ઓછામાં ઓછા ૫૦ રૂપિયા અને વધુમાં વધુ ૨૫૦ રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યું છે. આજથી વેરા વળતર યોજનાનો પ્રારંભ થતા બપોર સુધીમાં મહાપાલિકાની તિજોરીમાં પ્રામાણિક કરદાતાઓએ રૂ.૧.૨૧ કરોડ ઠાલવી દીધા છે.
અમીન માર્ગ સિવિક સેન્ટર ખાતે ૧૨૯ કરદાતાઓ, સેન્ટ્રલ ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે ૨૭૩ કરદાતાઓ, ઈસ્ટ ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે ૭૮ કરદાતાઓ, કોઠારીયા રોડ સિવિક સેન્ટર ખાતે ૭૪ કરદાતા, કૃષ્ણનગર સિવિક સેન્ટર ખાતે ૧૩૧ કરદાતા, આઈસીઆઈસીઆઈ બેંકમાં ૪૯ કરદાતા, પોસ્ટ ઓફિસમાં ૧૨૬ કરદાતા, વેસ્ટ ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે ૧૪૮ કરદાતા જયારે અલગ-અલગ વોર્ડ ઓફિસમાં ૧૨૪૨ કરદાતાઓએ વેરો ભર્યો છે. ૮૭૩ આસામીઓએ વેબસાઈટ મારફત ઓનલાઈન વેરો ભરી કોર્પોરેશનની તિજોરીમાં રૂ.૨૯ લાખ ઠાલવી દીધા છે. બપોર સુધીમાં વેરા વળતર યોજના અંતર્ગત રૂ.૧.૨૧ કરોડની આવક થવા પામી છે.
અગાઉ મહાપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, એચડીએફસી બેંક અને યશ બેંકની તમામ શાખાઓમાં વેરો સ્વિકારવામાં આવશે જોકે આ બે બેંકોમાં આજે વેરો સ્વિકારવાની કામગીરી શ‚ ન થતાં કરદાતાઓમાં દેકારો બોલી ગયો છે. જયારે વોર્ડ નં.૧૨ અને વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસ ખાતે બીએસએનએલના નેટવર્કની કનેકટીવીટીની સમસ્યા સર્જાતા અહીં પણ કરદાતાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.