વર્ષ ૨૦૧૭-૧૮માં ઈન્કમટેકસની રૂ.૧૦ લાખ કરોડની વિક્રમી વસુલાત
વર્ષ ૨૦૧૭-૧૮માં આઈટી રિટર્ન ભરવાનું પ્રમાણ વધીને ૬.૯૨ કરોડે પહોંચ્યું
વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૮ દરમિયાન આવક વેરાની રૂ.૧૦ લાખ કરોડની વિક્રમી વસુલાત થઈ હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક ટેકસીસ (સીબીડીટી) દ્વારા જણાવાયું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૬.૯૨ કરોડ આઈટી રીટર્ન ભરાયા હતા જે વર્ષ ૨૦૧૬-૧૭માં ૫.૬૧ કરોડ જેટલા જ હતા.
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૧.૦૬ કરોડ નવા આઈટી રીટર્ન ફાઈલ થયા હતા. જયારે ચાલુ વર્ષે વધુ ૧.૨૫ કરોડ કરદાતાઓ નોંધાયા હોવાનું માનવામાં આવે છે. નોર્થ ઈસ્ટ ક્ષેત્રમાં આ પ્રમાણ ૧.૮૯ લાખનું છે.
તાજેતરમાં ગુવાહાટી ખાતે ઈન્કમટેકસ એડમીનીસ્ટ્રેટ ઓફ ઈસ્ટર્ન ઝોનની બે દિવસીય કોન્ફરન્સમાં આ આંકડા જાહેર કરાયા છે. નોર્થ ઈસ્ટર્ન રીઝનના પ્રિન્સીપલ ચિફ કમિશનર એલ.સી.જોશી રાનીએ કહ્યું હતું કે, નોર્થ ઈસ્ટ વિઝનમાંથી વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ટેકસની રૂ.૭૦૯૭ કરોડની વસુલાત થઈ હતી. જે ગત વર્ષે ૬૦૮૨ કરોડની વસુલાત કરતા ૧૬.૭ ટકા વધુ છે.
વર્ષ ૨૦૧૮-૧૯માં ગત વર્ષની સરખામણીએ ૧૭.૭૫ ટકા એટલે કે, રૂ.૮૩૫૭ કરોડનું ટેકસ ઉઘરાવવાનો ટાર્ગેટ આવકવેરા વિભાગ દ્વારા રાખવામાં આવ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ટેકસ પેયર બેઈઝ વધારવા માટે આયકર સેવા કેન્દ્રમાં કામગીરી થઈ ચૂકી છે.