આર.કે. ગ્રુપના સર્વાનંદભાઈ સોનવાની તથા તેમના ભાગીદારો, ટ્રિનિટી-સ્પાયર ગ્રુપના પ્રફુલભાઈ ગંગદેવ-કિંજલભાઈ ફડદુના નિવાસ સ્થાને ઓફિસે અમદાવાદ, સુરત, વડોદરાના 200થી વધુ આયકર વિભાગના અધિકારીઓ ત્રાટકયા: મોડીરાત સુધી રેડ ચાલુ રહે તેવી શકયતા
સેન્ડી ગ્રુપના હરિસિંહ સુતરિયા, ઉપરાંત કોન્ટ્રાકટર આશિષ ટાંક અને રમેશ પાંચાણી પર પણ આયકર વિભાગની ઘોંસ
રાજકોટમાં લાંબા સમય બાદ ઈન્કમટેકસ વિભાગ દ્વારા જાણીતા બિલ્ડરોને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આર.કે.ગ્રુપ વાળા સર્વાનંદભાઈ સોનવાની અને તેમના ભાગીદારો ઉપરાંત ટ્રિનીટી-સ્પાયર ગ્રુપના પ્રફુલભાઈ ગંગદેવ અને કિંજલભાઈ ફડદુની ઓફિસો પર આજે વહેલી સવારે મુંબઈ, અમદાવાદ, સુરત અને વડોદરાના આયકર વિભાગના 200થી વધુ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા બિલ્ડરોની ઓફિસ, નિવાસ સ્થાન, બાંધકામ સાઈટ, ભાગીદારોના રહેઠાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી આજે મોડી સાંજ સુધી ચાલે તેવું લાગી રહ્યું છે. નામી બિલ્ડરો પર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ત્રાટકતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કેટલાક મોટામાથા ભૂગર્ભમાં પણ ઉતરી ગયા હોવાનું ચર્ચાય રહ્યું છે.
આજે વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ અને સ્ટાફની 200થી વધુની ફોજ રાજકોટમાં નામી બિલ્ડરોને ત્યાં ત્રાટકી હતી લાંબા સમય બાદ આયકર વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આઈ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા મુખ્યત્વે આર.કે.ગ્રુપ પર જ તવાઈ ઉતારવામાં આવી છે. સર્વાનંદભાઈ સોનવાનીના સિલ્વર હાઈટ સ્થિત ફલેટ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. શહેરમાં બે ડઝન જેટલા સ્થળોએ આયકર વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા. સર્વાનંદભાઈ ઉપરાંત તેમના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સિલ્વર હાઈટસમાં રહેતા ચાર ભાગીદારોને ત્યાં તપાસ ચાલુ છે.
જાગનાથ મારબલ વાળા પ્રફુલભાઈ ગંગદેવ, કિંજલભાઈ ફડદુને ત્યાં પણ ચેકિંગ ચાલુ છે. જાણીતા ઉદ્યોગપતિ-બિલ્ડર હરિસિંહ સુતરિયાને ત્યાં પણ આઈટી વિભાગ ત્રાટકયું છે. શ્રેયસ સોસાયટી સ્થિત તેમના નિવાસ સ્થાને ચેકિંગ કરવામાં આવ્યું છે. આર.કે.ગ્રુપની નાના મવા ખાતે આવેલી ઓફિસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગ્રુપના બે કોન્ટ્રાકટર આશિષ ટાંક અને રમેશ પાંચાણીને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટ વિભાગને અંધારામા રાખી અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરના અધિકારીઓની ટીમ ત્રાટકી છે. શહેરના એક મોટા ફાઈનાન્સર પર પણ આઈટીની ઘોંસ બોલાવી હોવાની ચર્ચા ચાલી રહી છે.
આજે મોડીરાત સુધી દરોડાની કામગીરી ચાલે તેવી સંભાવના રહેલી છે. જેમા કરોડો રૂપીયાના બેનામી વ્યવહારો હાથ લાગે તેવું મનાઈ રહ્યું છે. રિંગરોડ પર આઠ અલગ અલગ સાઈટના કારણે આર.કે.બિલ્ડર પર ઘોંસ બોલી હોવાનું મનાઈ રહ્યું છે. આ લખાય રહ્યું છે. ત્યારે પણ દરોડાની કામગીરી ચાલુ છે.