આવકવેરા રિટર્ન અને ચૂંટણી સમયે રજૂ કરેલા એફીડેવીટમાં વિસંગતતા જોવા મળતા ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી: એક સાથે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓને આવકવેરાની નોટિસ મળી હોવાનો પ્રથમ કિસ્સો
ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યો પૈકી ૪૦ ટકા એટલે કે ૭૦ ધારાસભ્યોને એકી સાથે આવકવેરા વિભાગને નોટિસ ફટકારી છે. વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોએ રજૂ કરેલા એફીડેવીટ અને આઈટી રિટર્નમાં તફાવત દેખાતા ૭૦ ધારાસભ્યો ઈન્કમટેકસ વિભાગની ઝપટે ચડયા છે. આ તમામને નોટિસ પાઠવવામાં આવી છે. જો કે આ રીતે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓને એક સાથે નોટિસ આપ્યાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે.
સામાન્ય રીતે આવકવેરા વિભાગની ઝપટે વેપારીઓ, ઉદ્યોગપતિઓ તો કયારેક ડોકટરો ચડતા હોય છે. પરંતુ નેતાઓ, અધિકારીઓ ઉપર દરોડા ભાગ્યે જ પડતા હોય છે પરંતુ ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત એવો કિસ્સો બન્યો છે કે, ૪૦ ટકા ધારાસભ્યો એટલે કે ૭૦ ધારાસભ્યોને ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટે એક સાથે નોટિસ ફટકારી છે. આ અંગે ગુજરાત ઈન્કમટેકસ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, ૭૦ ધારાસભ્યોને નોટિસો ફટકારવામાં આવી છે. જો કે કોને કયાં પ્રકારની નોટિસ આપવામાં આવી છે તેની માહિતી ગોપનીય રાખવામાં આવી છે. અધિકારીઓએ ક્હયું કે, વિભાગના કેટલાક અધિકારીઓ ભારતીય ચૂંટણીપંચ દ્વારા બનાવવામાં આવેલા ખાસ વિજીલન્સના સભ્યો છે. તેઓ દ્વારા એફીડેવીટ માંથી મળતી વિસંગતતા શોધવાનું કામ કરવામાં આવતું હતું. તમામ ધારાસભ્યોને એફીડેવીટ અને આવકવેરા રિટર્નમાં જે ફેરફાર છે તે મામલે સ્પષ્ટતા કરવા માટે પુરતો સમય આપવામાં આવ્યો છે. જો તેમનો જવાબ સંતોષકારક નહીં જણાય તો નિયમ મુજબ તેમની વિરુધ્ધ પગલા પણ લેવાય શકે તેમ છે.
રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં પ્રથમવાર એવું બન્યું છે કે, આટલી મોટી સંખ્યામાં ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓને ઈન્કમટેકસ વિભાગે ઝપટે લીધા હોય. આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે તેઓને જાણ છે કે અનેક ધારાસભ્યોને ઈન્કમટેકસ વિભાગની નોટિસ મળી છે. જન પ્રતિનિધિ તરીકે આપણી ફરજ છે કે, કાયદાની સંગત ચાલીને સહકાર આપીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, ચૂંટણીપંચ દ્વારા ઈન્કમટેકસ વિભાગને આ પ્રકારની વિસંગતતાવાળી એફીડેવીટ અલગ તારવવા માટે કહેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ધારાસભ્યોને નોટિસ પાઠવીને ઈન્કમટેકસ વિભાગ વધુ સ્પષ્ટતા મેળવી રહ્યું છે. જો કે મને આવી કોઈ નોટિસ મળી નથી.