રેસિડેન્સ અને કોમર્શિયલ બિલ્ડીંગ પ્લાનની વિગતોના આધારે સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની પણ શંકા
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખામાં છેલ્લા એક વર્ષ દરમિયાન ઇન્વર્ડ થયેલા કોમર્શિયલ અને રેસિડેન્સ હેતુ માટેના બિલ્ડીંગ પ્લાનની વિગતો તાજેતરમાં આવક વેરા વિભાગ દ્વારા માંગવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના આધારે છેલ્લા બે દિવસથી શહેરમાં બિલ્ડરોને ત્યાં સર્વે અને સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની શંકા સેવાઇ રહી છે. આ અંગે ટીપી શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ દર વર્ષે આવક વેરા વિભાગ દ્વારા માર્ચ કે એપ્રિલ માસમાં નાણાકીય વર્ષ દરમિયાન મંજૂરી અર્થે મૂકવામાં આવેલા વિવિધ કેટેગરીના બિલ્ડીંગ પ્લાનની વિગત માંગવામાં આવતી હોય છે. આઇટી વિભાગ દ્વારા વેંચાણ પાત્ર હોય તેવા કોમર્શિયલ અને રેસિડેન્સ બિલ્ડીંગ પ્લાન પર વધુ નજર રાખવામાં આવતી હોય છે. જેના આધારે દરોડો પાડવા સહિતની કામગીરી હાથ પર લેવામાં આવતી હોય છે. જો કોઇ વ્યક્તિ રિનોવેશન કે વ્યક્તિગત વપરાશ માટેના બિલ્ડીંગ પ્લાનમાં વધુ પડતો રસ લેવામાં આવતો હોતો નથી. પરંતુ જે પ્લાન વેંચાણ હેતુ માટેના હોય તેના પર બાજ નજર રાખવામાં આવતી હોય છે. તાજેતરમાં વર્ષ દરમિયાન મૂકવામાં આવેલા બિલ્ડીંગ પ્લાનની વિગતો એકત્રિત કરવામાં આવી હતી. જેના આધારે છેલ્લા બે દિવસથી શહેરમાં બિલ્ડરો અને જ્વેલર્સો પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. માત્ર કોર્પોરેશન પાસે જ નહિં પરંતુ રૂડા કચેરીની ટીપી બ્રાન્ચ પાસે પણ વર્ષ દરમિયાન મંજૂરી અર્થે મૂકવામાં આવેલા બિલ્ડીંગ પ્લાનની વિગતો માંગવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આવકવેરા વિભાગ દ્વારા આ પ્રકારની માહિતી ટીપી વિભાગ પાસેથી એકત્રિત કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે મોટાપાયે સર્ચ અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવતા થોડી ચર્ચા જાગી છે. સરકારની અલગ-અલગ વિભાગની કચેરીઓ દ્વારા અંદરોઅંદર માહિતીની આપ-લે થતી હોય છે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવે છે.