રાજકોટની ઈન્વેસ્ટીગેશન વિંગના તમામ અધિકારીઓ રેડમાં જોડાયા

આવકવેરા વિભાગમાં જે રીતે ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે લાંબા સમય પછી જે કરદાતાઓ પોતાનો કરવેરો ભરવામાં નિષ્ફળ નિવડયા હોય અથવા તો કોઈપણ ગેરરીતી આચરવામાં આવી હોય તો તેને ડામવા માટે આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. હાલ અમદાવાદના નામાંકિત પોપ્યુલર ગ્રુપ ઉપર  રેડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેમાં રાજકોટના ઈન્વેસ્ટીગેશન વિંગના તમામ અધિકારીઓ જોડાયા હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. અમદાવાદનાં જાણીતા રિયલ એસ્ટેટ ક્ષેત્રના માંધાતા એવા પોપ્યુલર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગ ત્રાટકયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ તમામ ટીમ કે જેમાં રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગના તમામ અધિકારીઓ સમાવિષ્ટ થયા છે તેઓ તમામ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી ત્રાટકયા હોવાનું પણ સામે આવ્યું છે. ગ્રુપનાં દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ, છગન પટેલ અને લક્ષ્મણ પટેલને ત્યાં દરોડા શરૂ થયા હોવાનું હાલ જાણવામાં આવ્યું છે. ગુજરાત રાજયનાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૌથી મોટા ઉધોગપતિ તરીકે તેમનું નામ પણ સામે આવી રહ્યું છે. આ રેડમાં ઘણી બેનામી સંપતિ જપ્ત થાય તેવી પણ આશા સેવાઈ રહી છે. તેમની પાસે હજારો-કરોડોની જમીન સંપતિ હોવાનું સામે આવતા અન્ય કરચોરોમાં પણ ફફડાટ ફેલાયો છે. આશા છે કે, આ રેડમાં સૌથી મોટો દલ્લો પકડાય શકે છે. છેલ્લા ઘણા સમયથી લોકો પોતાનો આવકવેરાનો કર ભરતા ન હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે દેશને આવકવેરા વિભાગથી મુખ્યત્વે આવક થઈ શકે તે માટે ફેશલેસ અસેસમેન્ટ સહિતની તમામ ચીજવસ્તુઓમાં અને નિયમોમાં પણ ફેરફાર કરાયો છે.હાલ આવકવેરા વિભાગ દ્વારા જે અમદાવાદમાં રેડ કરવામાં આવી છે તેને જોતા હવે અન્ય કરચોરો ઉપર પણ તવાઈ બોલાવવામાં આવે તેવું પણ માનવામાં આવે છે. આ તમામ પ્રકારના સર્ચ અને સર્વેની કામગીરીમાં ખુબ મોટી રકમ એકત્રિત કરાશે તેવી શકયતા સેવાઈ રહી છે તે સીધો જ ફાયદો દેશની તિજોરીને પણ જોવા મળશે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતના ઘણાખરા નામાંકિત લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે જેની મંજુરી બોર્ડ દ્વારા અપાઈ હોવાથી આગામી સમયમાં ઘણા બેનામી વ્યવહારો ઉપર પૂર્ણવિરામ મુકવામાં આવશે અને બેનામી સંપતિનો જથ્થો પણ પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.