પ્રથમ વખત રાજકોટથી ખાસ વેલ્યુઅર બોલાવાયા
ગાંધીધામના મીઠા ઉદ્યોગ સમુહ અને તેને સંલગ્ન પેઢીઓ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક સ્થળો પર તપાસનો દોર પુરો થયો હતો, તો ત્રીજા દિવસે પણ કેટલાક સ્થળોએથી માહિતી એકત્રી કરણની કાર્યવાહી ચાલુ રહી હોવાનું અને મોટા પ્રમાણમાં જથ્થો મળ્યો હોવાનું જાણવા મળે છે. ગાંધીધામના નીલકંઠ ગૃપ પર ચાલી રહેલા આવકવેરા વિભાગના દરોડા ત્રીજા દિવસે કેટલાક સ્થળો પર પુર્ણ થયા હતા.
મોડી રાત સુધી હજી પણ કેટલાક સ્થળોએ તપાસનો દોર ચાલુ રહ્યો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની કાર્યવાહીમાં ૧૭ કિલો સોનુ મળી આવ્યું હતું તો ૨૦ બેંક લોકર પણ સપાટી પર આવ્યા હતા. કુલ ૨૭ સ્થળો પર આ તપાસનો દોર મંગળવારના વહેલી સવારથી આરંભાયો હતો, કેટલાક સ્થળોએ ઉપલબ્ધ તમામ દસ્તાવેજોની તપાસ પુર્ણ થતા ત્યાં કાર્ય આટોપાયું હોવાનું અને તપાસનો દોર હવે કેટલાક સ્થળો પર કેંદ્રિત રહ્યો હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહી પાછળ ક્યા પ્રકારના ઉદેશ્યો અને શક્તિઓ કાર્ય કરે છે તેને લઈને પણ માર્કેટમાં વિવિધ પ્રકારની ચર્ચાઓના દોરએ જન્મ લીધો છે. ડિજિટલ દસ્તાવેજોની તપાસ પર વિશેષ ભાર વર્તમાન યુગમાં મહતમ બાબતો હવે ઓનલાઈન થઈ રહી છે ત્યારે આ કાર્યવાહીમાં ડીઝીટલ તપાસ પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો હોવાનું બહાર આવવા પામ્યું હતું. જેટલા દસ્તાવેજોને ફીઝીકલી નહિ પરંતુ ઓન-લાઈન કરીને સંગ્રહિત કરાયા છે, તેનો પતો મેળવીને સ્કૃટની કરાઈ રહી છે. મીઠાના ઢગલા માટે રાજકોટથી વેલ્યુઅર બોલાવાયા આવક વિભાગ જ્યાં તપાસ કરી રહ્યો છે એ પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહોનો મીઠાનો બહોળો કારોબાર હોવાથી મીઠાના ઢગલામાં ખરેખર કેટલી કિંમતનો માલ પડ્યો છે તેની આકારણી કરવા પ્રથમ વખત રાજકોટથી ખાસ વેલ્યુઅર બોલાવાયા હોવાનું માહિતગાર સૂત્રોએ કહ્યું હતું.