સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી: તેમાં અમદાવાદના અધિકારી માનસ શંકર રેનું પણ નામ
ભ્રષ્ટાચારના કેસમાં આવકવેરા વિભાગનાં કમિશનરો ઝડપાયા છે. જેમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) દ્વારા ગુન્ટુરના ઈન્કમટેકસ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર સુનિલકુમાર ઓઝા, થાણેના ઈન્કમટેકસ કમિશનર સુભાષા ચાન્દ્રા અને અમદાવાદના ઈન્કમટેકસ કમિશનર માનસ શંક્ર રે. સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
આ એફઆઈઆરમાં વડોદરાની સ્ટર્લિંગ બાયો ટેકનું આરોપી તરીકે નામ છે. અહી ઉલ્લેખનીય છે કે તારીખ ૨૮ જૂન ૨૦૧૧ના રોજ ઈન્કમટેકસ ડીપાર્ટમેન્ટે કરેલા સર્ચ ઓપરેશનમાં સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડની ૨૫ જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. જેમાં ખાસ તો નાણાકીય વ્યવહારોને હાથથી લખેલી એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં ઈન્કમટેકસ ડીપાર્ટમેન્ટનાં વરીષ્ઠ અધિકારીઓ એસ.કે. ઓઝા (ગુન્ટુર), સુભાષ ચાન્દ્રા (થાણે) અને માનસ શંકર રે (અમદાવાદ)ના નામ હતા અને ત્રણેય અધિકારીઓના નામની બાજુમાં ‘આઈટી’ એવુ સૂચક રીતે લખેલું હતુ.
ઓઝાના નામની સામે રૂ.. ૯૮.૯૯ લાખ, ચાન્દ્રાના નામની સામે રૂ ૭ લાખ, રેના નામની સામે રૂ. ૮૦ લાખનો આંકડો આ ડાયરીમાં લખ્યો છે. ટૂંકમાં, આ ડાયરીના આધારે જ અત્યારે તો સીબીઆઈએ આ ત્રણેય આઈટી અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરી દીધી છે. અત્યારે સીબીઆઈ વધુ પુરાવા એકત્ર કરવામાં લાગ્યું છે. કેમકે ડાયરીમાં નામ માત્રથી આરોપ પૂરવાર થઈ જતો હોતો નથી તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.