વિભાગના ચિફ કમિશનર (ટીડીએસ) દેવઆશિષ રોય ચૌધરીની ચિર વિદાય
ઇન્ડિયન રેવન્યુ સર્વિસ એસોસિએશન-અમદાવાદ ચેપ્ટરમાં વ્યાપ્યો શોક
રાજકોટના ભૂતપૂર્વ ચિફ કમિશનર અને અમદાવાદ ટીડીએસના ચિફ કમિશનર એવા દેવઆશિષ રોય ચૌધરી કોરોનાના કારણે હાર્ટ એટેકે આવતા તેઓની ચિર વિદાય થઈ છે. આ સમાચાર આવતાની સાથે જ અમદાવાદના આઈઆરએસ એસોસીએશનમાં શોક જોવા મળ્યો છે. દેવઆશિષ રોય ચૌધરી અત્યંત મળવતાવડા સ્વભાવ અને નાનાથી મોટા લોકોને ‘જી’ કહી સંબોધતા હતા. તેઓનો ‘અબતક’ મીડિયા સાથેનો પારિવારીક નાતો પણ જોવા મળ્યો હતો. દેવઆશિષ રોય ચૌધરી ગુજરાતના આઈઆરએસ ગ્રુપમાં સૌથી ચહિતા અધિકારી હતા. તેઓએ ૧૯૮૬ની સાલમાં આઈઆરએસ તરીકે અનેકવિધ શહેરોમાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. જેમાં મુંબઈ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, અમદાવાદ અને રાજકોટનો પણ સમાવેશ થયો હતો. તેમની કાર્યકુશળતાને ધ્યાને લઈ સીબીડીટીએ તેઓને ડેપ્યુટેશન ઉપર સેન્ટ્રલ ઈકોનોમીક ઈન્ટેલીજન્સ બ્યુરો નવીદિલ્હી ખાતે ત્રણ વર્ષ માટે મોકલ્યા હતા. તેમનો સ્વભાવ અત્યંત મળતાવડો હોવાના કારણે કોઈપણ વ્યક્તિની નાનામાં નાની સમસ્યા અને તકલીફને ખુબ સહજતાથી ઉકેલ લાવતા હતા. તેમની ઓફિસ દરેક લોકો અને તમામ અધિકારીઓ કે જેઓ કોઈપણ કારણે મુંઝાતા હોય તેમના માટે ખુલ્લી રાખવામાં આવી હતી.
દેવઆશિષ રોય ચૌધરીનો જન્મ પશ્ર્ચિમ બંગાળમાં થયો હતો અને તેમનું બાળપણ નવીદિલ્હીમાં પસાર થયું હતું. તેઓએ બી.કોમ., એમ.કોમ., અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તેઓએ વર્ષ ૨૦૧૯ના જૂન માસમાં ટીડીએસના ચિફ કમિશનર ઓફ ઈન્કમટેક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમનું હસમુખો ચહેરો કરદાતાઓને તમામ મુંઝવતા પ્રશ્ર્નોમાંથી ઉગારતો હતો અને તેમને મળવા આવેલા વ્યક્તિને ચા અને તેમના મનભાવતા બિસ્કીટનો આહાર કરાવ્યા વગર છોડતા પણ નહોતા. રાજકોટ આવકવેરા વિભાગના ચિફ કમિશનરનો ચાર્જ પણ તેઓએ સંભાળ્યો હતો. જેમાં ઓપન હાઉસ જેવા કાર્યક્રમો યોજી કરદાતાઓને મુંઝવતા પ્રશ્ર્નોનું નિવારણ પણ લાવતા હતા. તેમની ચિરવિદાયથી રાજ્ય અને દેશના આઈઆરએસ ખેમામાં ભારે શોક પ્રસરી ગયો છે. આઈઆરએસ સમુદાયના કોઈપણ ગ્રુપ અને કાર્યક્રમમાં તેમની હાજરી અચુક જોવા મળતી હતી. વાત કરવામાં આવે તો દેવઆશિષ રોય ચૌધરીનો ‘અબતક’ મીડિયા સાથે એક અનેરો નાતો હતો.