આગામી દિવસોમાં આવક વધતા ભાવો ઘટશે : વેપારીઓ
જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં ફળોની રાણી ગીરની કેસર કેરીની આવક શરૂ થઇ જવા પામી છે, ત્યારે ગઈકાલે કેસર કેરીના બોક્ષનો ભાવ રૂ. ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયા રહેવા પામ્યો હોવાનું જાણવા મળેલ છે.
જુનાગઢ અને સમગ્ર પંથકની ગીરની કેસર કેરીની માંગ પુરા વિશ્વમાં રહેવા પામી છે અને ફળોની રાણી એવી કેસર કેરીની મીઠાશ માણવા દેશભરના લોકો સીઝન સમયે અધીરા બનતા હોય છે, ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે.
રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે લોક ડાઉન ચાલી રહ્યું છે એની વચ્ચે વાહન વ્યવહારમાં છૂટછાટ આપવામાં આવતા, હવે ધીરે ધીરે યાર્ડ અને બજારમાં કેરીની આવક શરૂ થઇ જવા પામી છે, ત્યારે ગઈકાલે જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં ૨૫૩૪ બોક્ષ કેસર કેરીની આવક થઇ હોવાનું નોંધાયું છે, અને તેનો ભાવ ૮૦૦ થી ૧૨૦૦ રહેવા પામ્યો હતો.
વેપારીઓના જણાવ્યા અનુસાર આગોતરી ગીરની કેસર કેરી મુંબઈ, સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના શહેરમાં હાલમાં ઊંચા ભાવે વેચાઇ રહી છે, જેથી વેપારીઓ તથા ખેડૂતોને સારી એવી આવક હાલમાં જણાઈ રહી છે, જોકે, આગામી દિવસોમાં કેરીની આવક વધશે એટલે ભાવ થોડા નીચે જશે, તેમ વેપારીઓ જનાવી રહ્યા છે.