કોર્પોરેશનને એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ત્રણ કરોડની રિક્વરી: 13 મિલકતો સીલ, 36ને ટાંચ જપ્તીની નોટિસ
રાજકોટ મહાનગર પાલિકા ટેક્સ બ્રાન્ચને આજે મોબાઇલ ટાવરના બાકી વેરા પેટે રૂ.2.60 કરોડની તોતીંગ આવક થવા પામી છે. આજે બપોર સુધીમાં ટેક્સની રેકોર્ડબ્રેક રૂ.3.02 કરોડની વસૂલાત થવા પામી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે ટેક્સ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત 13 બાકીદારોની મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે એક નળ જોડાણ કપાત કરાયું છે અને 36 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. વોર્ડ નં.1માં રામાપીર ચોકડી પાસે ગાંધીગ્રામ વિસ્તારમાં એક મિલકત, વોર્ડ નં.2માં રૈયા રોડ પર એક મિલકત, વોર્ડ નં.6માં ભાવનગર રોડ પર એક મિલકત, વોર્ડ નં.7માં ગરેડીયા કુવા રોડ પર રાધેશ્યામ કોમ્પ્લેક્સમાં એક મિલકત, ડો.યાજ્ઞિક રોડ પર બે મિલકત, વોર્ડ નં.8માં રાજનગર ચોકમાં ત્રણ મિલકત, વોર્ડ નં.17 યોગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે મિલકતો સહિત કુલ 13 મિલકત સીલ કરવામાં આવી હતી. જ્યારે ચૌધરી હાઇસ્કૂલ પાસે, શ્રોફ રોડ પર, સરદારબાગ પાસે, રેલનગર મેઇન રોડ, માંડા ડુંગર, રઘુવીર રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ, મિલપરા વિસ્તાર અને વિવેકાનંદ નગરમાં બાકીદારોની મિલકતને ટાંચમાં લેવામાં આવી હતી. પેડક રોડ પર એક બાકીદારનું નળ જોડાણ કપાત કરવામાં આવ્યું હતું. શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં કંપનીઓ દ્વારા લગાવવામાં આવેલા મોબાઇલ ટાવરના બાકી વેરા પેટે આજે બપોર સુધીમાં 2.60 કરોડની રિક્વરી થવા પામી છે. ચાલુ નાણાકીય વર્ષમાં આજે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 3.02 કરોડની આવક થવા પામી છે.