મગફળીનો ભાવ રૂ. 1801 અને કપાસનો ભાવ રૂ 1540 થી 1601 બોલાયા
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવા કપાસ અને નવી મગફળીની આવકના શ્રી ગણેશ થયા છે. યાર્ડના વેપારીઓએ એકાબીજાના મોઢા મીઠા કરાવ્યા બાદ નવી મગફળીની આવકના વધામણા કર્યા હતા અને ત્યારબાદ હરરાજી બોલી હતી.
ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વ કેટલાક ખેડૂતોએ સારા વરસાદના આશાવાદ સાથે આગોતરી વાવણી કરી હતી. જેના કારણે હવે નવી જણસીની આવક શરુ થવા પામી છે. આજે રાજકોટ માકેટીંગ યાર્ડમાં કાલાવાડ તાલુકાના ખીમાણી સણોસરા ગામના ખેડુત પરેશભાઇ નાગજીભાઇ નવી મગફળીનો માલ લઇ વેંચાણ માટે આવ્યા હતા. દલાલ શ્રી રામકૃપા એન્ટરપ્રાઇઝ દ્વારા નવી મગફળી (રોહિણી) ની 13 ગુણીની ખરીદી કરવામાં આવી હતી. પ્રતિ ર0 કિલો મગફળીના ભાવ રૂ. 1801 બોલાયા હતા. હરાજી પૂર્વ વેપારી ભાઇઓએ મગફળીના ઢગલાને ફૂલોનો હાર પહેરાવ્યો હતો. એકાબીજાના મોઢા મીઠા કરાવી મગફળીની હરરાજી શરુ કરી હતી.
આગામી દિવસોમાં યાર્ડમાં અલગ અલગ જણસીની નવી આવક શરુ થશે સિંગતેલના ડબ્બાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયો છે. ત્યારે નવી મગફળીની આવક શરુ થયા બાદ ભાવો ઘટશે તેવું માનવામાં આવ્યું છે. આજથી રાજકોટ માકેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરુ થતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની નવી આશા ઉભી થવા પામી છે.
આ ઉપરાંત આજે નવા કપાસની આવક પણ થવા પામી હતી. નવા કપાસની ચાર ભારી આવક થવા પામી હતી. અભેપરના રમેશભાઇ દામજીભાઇ નામના ખેડુત કપાસની બે ભારી લઇને રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવ્યા હતા. ર0 કિલો કપાસના ભાવ રૂ. 1601 ઉપજયા હતા. દલાલ ઓધવજીભાઇ નારણભાઇ મારફત આ નવા કપાસની ખરીદી રંગાણી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગવરીદળના ખેડુત બેચરભાઇ ઘેલાભાઇ પણ કપાસની બે ભારી લઇ વેંચાણ અર્થે આવ્યા હતા. જેની ખરીદી દલાલ બ્રાહ્મણી ટ્રેડર્સ મારફત રંગાણી દ્વારા કરવામાં આવી હતી. પ્રતિ મણ કપાસનો ભાવ રૂ. 1540 ઉપજયો હતો.