- અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને આવશ્યક સેવાકર્મીઓના પોસ્ટલ બેલેટ અંગે બેઠક યોજાઈ
લોકશાહીને મજબૂત કરવા માટે દેશનો દરેક નાગરિક લોકસભા સામાન્ય ચૂંટણી – 2024માં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે હેતુ સૌ પ્રથમ વખત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં વીજળી, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો, આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, રાજ્ય પરિવહન નિગમ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરેલા મીડિયા કર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સહિતની 12 સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે 12 આવશ્યક સેવાકર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવા અંગે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી મુછારે જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં નોંધાયેલા અને મતદાનના દિવસે તેમની આવશ્યક ફરજોને કારણે મતદાન મથકમાં હાજર રહી શકશે નહિ તેવા જ મતદારોને આવશ્યક સેવાકર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાપાત્ર ગણાશે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પાત્રતા ધરાવતા મતદાતાઓએ ફોર્મ – 12(ડી) ભરીને નિયુક્ત નોડલ અધિકારી દ્વારા પ્રમાણિત કરાવવાના રહેશે.
વધુમાં જિલ્લાના પોસ્ટલ બેલેટના નોડલ ઓફિસર માંડોતે જણાવ્યું હતું કે, આવશ્યક સેવાકર્મીઓના પોસ્ટલ બેલેટના મતદાન માટે પોસ્ટલ વોટિંગ સેન્ટર તરીકે યોગ્ય સ્થળ નક્કી કરવામાં આવશે. ફોર્મ – 12(ડી)માં ઉલ્લેખ કરેલા મોબાઈલ નંબર ઉપર પોસ્ટલ વોટિંગ સેન્ટરનું સંપૂર્ણ સરનામું મતદાનની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે તેમજ અન્ય કિસ્સામાં પોસ્ટ અથવા બી.એલ.ઓ. દ્વારા પણ આ અંગેની જાણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની મંજૂરી આપવામાં આવેલા મતદારો નિર્ધારિત કરેલા પોસ્ટલ વોટિંગ સેન્ટર પર જ મતદાન કરી શકશે, તેઓ અન્ય કોઈ રીતે મતદાન કરી શકશે નહીં. આ માટે તેમને અલગથી કોઇ રજા મળવાપાત્ર નથી.
આ બેઠકમાં ટ્રાફિક ડી.સી.પી. પૂજા યાદવ, એસ.ટી.ના વિભાગીય નિયામક જે.બી.કલોતરા, મામલતદાર મહેશ દવે સહીત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોશિયલ મીડિયામાં આચારસંહિતાનો ભંગ થતો હોય તો તરત જ તંત્રને જાણ કરવા અનુરોધ
ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની જાહેરાત ગત તા. 16 માર્ચના રોજ કરવામાં આવી હતી, જેના અનુસંધાને અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના પાલન માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષી સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં જો કોઈને સોશિયલ મીડિયાના કોઇ પણ પ્લેટફોર્મમાં આચારસંહિતાનો ભંગ થતો જણાય તો બલ્ક એસ.એમ.એસ. અને સોશિઅલ મીડિયાના નોડલ ઓફિસરને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે માટે રાજકોટ શહેર માટે બી. બી. બસિયાનો મોબાઈલ નંબર 90336 90990 અથવા રાજકોટ ગ્રામ્ય માટે એસ. એસ. રઘુવંશીનો મોબાઈલ નંબર 99784 07965 પર સંપર્ક કરી શકાશે.