રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે બિન અનામત આયોગની બેઠક મળી

રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે બિન અનામત આયોગની બેઠક ગુજરાત બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરાની અધ્યક્ષતામાં તેમજ સભ્ય હસુભાઈ ભગદેવ, સભ્ય સચિવ કાપડિયા અને જીલ્લા એડી.કલેકટર પરિમલભાઈ પંડયા, જીલ્લા ભાજપ પ્રવકતા હિરેનભાઈ જોશી, જીલ્લા ભાજપ અગ્રણી રાજેન્દ્રભાઈ ધારૈયા, નીલેશભાઈ દોશી, શહેર કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, દિપકભાઈ ભટ્ટની તથા અન્ય સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાના આગેવાનોની જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ બેઠકમાં બિન અનામત આયોગમાં સરકાર દ્વારા અનેક લાભોની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. બિન અનામત વર્ગો માટે નિગમની અને યોજનાકીય સમજ આયોગના સભ્ય સચિવે આપી હતી. આ તકે બેઠકમાં ઉપસ્થિત હિરેનભાઈ જોશીએ આયોગના ચેરમેન અને સભ્ય સચિવને રજુઆત કરતા જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગોના વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ કાઢવા માટે અનેક હાલાકી ભોગવવી પડે છે. જેના કારણે વિલંબ થાય છે. તે માટે યોગ્ય જવાબદાર અધિકારીઓને કામગીરી સોંપવામાં આવે જેથી કામગીરી સુચારુ થશે.

વધુમાં ભારપૂર્વક જણાવતા બિન અનામત આયોગમાં કર્મકાંડી બ્રાહ્મણોનો સમાવેશ કરશો. કર્મકાંડી ડીગ્રીના આધારે તથા સરકાર માન્ય સંસ્થાકીય કર્મકાંડી ડિગ્રી ધરાવતો હોય તેવા દાખલા તથા સર્ટીફીકેટવાળા કર્મકાંડી બ્રાહ્મણોને બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક નોકરી કર્યા પછી કર્મકાંડ કરતા કર્મકાંડીને આ લાભમાં સમાવેશ ના કરશો તેવું પણ જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત હરેશભાઈ જોશી તથા દીપકભાઈ ભટ્ટ અને અન્ય સમાજના આગેવાનો પણ પોતાની રજુઆતો કરેલ હતી.

રજુઆતના અંતે આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરા, સભ્ય સચિવ કાપડિયા તથા સમાજ કલ્યાણ શાખાના અધિકારીઓએ આગામી દિવસોમાં બિનઅનામતના વર્ગોને લાભ મળતો થાય તે માટે સરકાર તરફથી યોગ્ય ખાત્રી આપી હતી. બિનઅનામત બાબતે આયોગ દ્વારા જીલ્લાભરમાં માહિતી વર્ગો કરવામાં આવશે તેમ પણ અંતમાં જણાવેલ હતું. ધો.૧૧ અને ૧૨માં હાલમાં જે યોજના અમલિત છે. તેમાં થોડા સુધારા માટે પણ રજુઆત કરેલ હતી. એફ.વાય.થી લઈને ડિગ્રી ડિપ્લોમાં સુધીના તમામ માન્ય છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે તો તમામ છાત્રોને આ અંગે ફરિયાદ ન રહે. ખાનગી છાત્રાલયોને પણ ઘણી જ છે પરંતુ રજીસ્ટર થયેલ નથી હોતી તેવી છાત્રાલયોમાં રહેતા પણ ભોજન બીલનો લાભ મળે તેવું સુચન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.