મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વો ધૂમ સ્ટાઇલ બાઇક થી સ્ટંટ કરવાની ઘટનાઓ લોકોને નજરે પડે છે ત્યારે સોશિયલ મીડિયામાં એમએક્સ ટકાટક પ્લેટફોર્મ ઉપર મોરબીના યુવાનોએ જુદા જુદા ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગો ઉપર બાઈક અને મોપેડ રોકીને સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ કર્યા છે
તાજેતરમાં રાજકોટમાં બે યુવાનો રોડ ઉપર પોતાની કાર આડી રાખીને ગીત ગાતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં મોરબીના શનાળા રોડ ઉપર પણ એક ધૂમબાઇક ચાલકે વાહન રોકીને સ્ટંટ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આવા વીડિયો એમએક્સ ટકાટક પ્લેટફોર્મ ઉપર જુદા જુદા આઈડી પરથી વાયરલ કરાયાં છે જે મોરબીના શનાળા રોડ ,રેલવે સ્ટેશન,નવલખી રોડ સહિતના વિસ્તારોમાં આ ગેંગ ખેલ કરતા હોય તેવું નજરે પડે છે આ વિડીયોમાં યુવાનો પોતાના મોપેડ અને ધૂમ બાઇક સ્ટાર્ટ કરીને જોખમી રીતે ગોળ ચક્કર લગાવે છે આ દરમિયાન રીક્ષા અને એસટી બસ સહિતના વાહનો બ્રેક લગાવીને ઉભા રહી જાય છે. યુવાનના આ સ્ટંટથી રોડ ઉપર ક્ષણભર ટ્રાફિક પણ સર્જાઈ છે.બાદમાં આ યુવાન બાઇક લઈને જોખમી રીતે કાવા લગાવી ત્યાંથી ફૂલ સ્પીડે ચાલ્યો જાય છે. આ સ્ટંટનો વીડિયો ત્યાં રોડ ઉપરની જ કોઈ દુકાનના ઉપરના માળેથી બીજા વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે.તો બીજા વિડીયો માં મોપેડ પરથી ગીત પર ડાન્સ કરતો યુવાન જોવા મળે છે ત્રીજા વીડિયોમાં એજ યુવાન ચાલુ મોપેડ પરથી રોડ પર ઉતરી સ્ટંટ કરતો જોવા મળે છે અને બાદમાં આ તમામ વીડિયો એમએક્સ ટકાટક નામની એપ્લિકેશનમાં અયાન મિયા નામની આઇડીમાંથી અપલોડ કરવામાં આવ્યા છે. હાલ તો આ યુવાન કોણ છે અને ક્યાં રહે છે. તે કોઈ વિગતો જાહેર થઈ નથી. પણ એ વાત ચોક્કસ છે કે રાજકોટની જેમ જ આ ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે