મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને બાદ કરતા તમામ 9 જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદથી જગતાતમાં રાજીપો
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા છ દિવસથી મેઘરાજા એકધાર હેત વરસાવી રહ્યા છે. પ્રથમ રાઉન્ડમાં વાવણી લાયક વરસાદ પડ્યા બાદ બીજા રાઉન્ડમાં મોલાત પર કાચુ સોનું વરસાવી રહ્યા છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાને બાદ કરતા અન્ય તમામ નવ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 3 ઇંચ, ધોરાજીમાં બે ઇંચ, જામકંડોરણામાં દોઢ ઇંચ, જેતપુરમાં એક ઇંચ અને વિંછીયામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાઢ જિલ્લામાં મેઘરાજાએ સાંબેલાધારે હેત વરસાવ્યું હતું. કેશોદમાં સાડા ચાર ઇંચ, વિસાવદરમાં સાડા ચાર ઇંચ, જૂનાગઢમાં સાડા ત્રણ ઇંચ, વંથલીમાં પોણા બે ઇંચ, મેંદરડા, માણાવદર, ભેંસાણ, માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગીરનાર પર્વત પર પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકામાં ચાર ઇંચ, સુત્રાપાડામાં અઢી ઇંચ, વેરાવળ અને તાલાલામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લામાં વડિયામાં સાડા ત્રણ ઇંચ, બગસરામાં દોઢ ઇંચ, જાફરાબાદમાં એક ઇંચ, ખાંભા, લીલીયા, અમરેલી, બાબરામાં અર્ધા ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવામાં સવા ઇંચ, સિંહોર, ઉમરાળા, વલ્લભીપુરમાં અર્ધા ઇંચ, બોટાદ જિલ્લાના બરવાળામાં બે ઇંચ, પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ચાર ઇંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં સવા ત્રણ ઇંચ, જામનગર જિલ્લાના જોડીયામાં સવા ઇંચ, લાલપુર અને જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. સવારથી સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. જળાશયોમાં પણ નવા નીરની આવક થઇ રહી છે. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં 24.81 ટકા વરસાદ વરસી રહ્યો છે.
ગીરનાર પર પાંચ ઇંચ દામોદર કુંડ છલકાયો
ગીરનાર પર્વત ઉપર આહલાદક નજારો બન્ને અન્ડર બ્રીજમાં પાણી ભરાયા
જૂનાગઢ મહાનગર સહિત સમગ્ર સોરઠ પંથક પર ગઈકાલે મેઘો મહેરબાન થયો હતો બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાટકી જતા જૂનાગઢના બંને અન્ડર બ્રિજ પાણીથી ભરાઈ જવા પામ્યા હતા, ઝાંઝરડા રોડ પરના અંડર બીજમાં એક સ્કૂલ વાન, કાર સહિતના વાહનો પાણીમાં ફસાયા હતા, તો પંચહાટડી, પોસ્ટ ઓફિસ રોડ, જયશ્રી રોડ સહિતના અનેક વિસ્તારોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને જાહેર માર્ગો પર પણ પાણી
ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી. તે સાથે જૂનાગઢ શહેરને પાણી પૂરો પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા વિસ્તારના ચારથી વધુ ગામોને તંત્ર દ્વારા સાવચેત કરવા પડ્યા હતા. તો ગિરનાર ઉપર પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી જતા ગિરનાર ઉપરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું તથા દામોદર કુંડ છલકાયો હતો.
મેઘરાજાએ ગઈકાલે બપોરના બે વાગ્યેથી સોરઠ પંથક ઉપર મહેર વરસાવી હતી અને બે કલાક સુધી જુનાગઢ મહાનગર ઉપર હેત વર્ષાવતા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે નરસૈયાની નગરીના રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી, નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થઈ જવા પામ્યા હતા. ઝાંઝરડા રોડ ઉપર આવેલા અંડર બ્રિજમાં ઘૂંટણ સમાયા પાણી ભરાઈ ગયા હતા ત્યારે પાણી હોવા છતાં વાહનો ચાલકોએ તેમાં વાહન ચલાવાનું સાહસ કરતા એક ખાનગી શાળાની સ્કૂલ બસ, કાર અને ટુ-વ્હીલર ચાલકોના વાહનો પાણીમાં ફસાયા હતા જેને જૂનાગઢની ફાયર બ્રિગેડ શાખાએ બહાર કાઢ્યા હતા. આ સિવાય મજેવડી દરવાજા નજીકનો અંડર બ્રિજ પાણીથી છલોછલ ભરાઈ જતા અઢીસોથી વધુ સોસાયટીના રહીશો માટેનો આ મુખ્ય રસ્તો બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી,
ગઈકાલે બપોરના પડેલા અવિરત ધોધમાર વરસાદના કારણે દિવાન ચોક અને ઉપરવાસના વિસ્તારનું પાણી નીચાણવાળા પંચ હાટડી અને પોસ્ટ ઓફિસ રોડ ઉપર નદી સ્વરૂપે આવી જતા પંચ હાટડી ચોક, પોસ્ટ ઓફિસ રોડ સહિતની અનેક દુકાનોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. આવી જ પરિસ્થિતિ કાલવા ચોક અને જયશ્રી રોડના દુકાનદારોની બની હતી.
આ વિસ્તારની પણ અનેક દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તે સાથે મજેવડી દરવાજાથી રેલવે સ્ટેશન અને એમજી રોડ સહિતના શહેરના મુખ્ય માર્ગો ઉપર એક ફૂટ જેટલા વરસાદી પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા હતા અને વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, તો શહેરના અનેક વેચાણ વાળા વિસ્તારોના મકાનોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા અને ઘરમાં ઘૂસેલા પાણીને કાઢવા ઇલેક્ટ્રિક મોટરના સહારા લેવા પડ્યા હોવાની વાત પણ સામે આવી છે.
જૂનાગઢમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યુ હતું. તો બીજી બાજુ ગિરનાર પર્વત અને ગિરનાર જંગલમાં લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી પડતા ગિરનાર ઉપરથી જાણે નદીઓ ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને તેના કારણે ગિરનાર પર્વત માંથી નીકળતી સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તથા દામોદર કુંડ છલોછલ ભરાઈ જવા પામ્યો હતો, આ સાથે દાતારના ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ તથા વિલિંગડન ડેમમાં પણ સારા પાણીની આવક થઈ હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.
જૂનાગઢમાં મેઘાની મહેરબાનીના કારણે જૂનાગઢને પાણી પૂરો પાડતો ઓજત વિયર આણંદપુર ડેમ 0.15 મી. થી ઓવરફલો થયો હતો. જેના કારણે તંત્ર દ્વારા નિચાણવાળા આણંદપુર, રાણપુર સુખપુર અને નાગલપુર ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લાના ઓજત -બે અને મધુવનતી ડેમ સહિતના જિલ્લાના મોટાભાગના ડેમોમાં પણ નવા નીર વ્યાપક પ્રમાણમાં આવ્યા હોવાનું નોંધાયુ છે.
વિસાવદરમાં પડતા 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે વિસાવદરમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તે સાથે ધારી જવા માટેના અંડર બ્રિજમાં પાણી ભરાતા વિસાવદર – અમરેલીના વાહન ચાલકોને હાલાકી પડી હતી.
રીતે કેશોદમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે દર વખતની જેમ કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા.
સોરઠ પંથકમાં મેઘરાજાએ મન ભરીને વરસી પડતા માણાવદરમાં બે ઇંચ, વંથલીમાં બે ઇંચ, જૂનાગઢમાં સાડા ત્રણ ઇંચ, ભેસાણમાં દોઢ ઇંચ, વિસાવદરમાં સાડા ચાર ઈંચ, મેંદરડામાં દોઢ ઇંચ, કેશોદમાં સાડા ચાર ઈંચ, માંગરોળમાં સવા ઇંચ અને માળિયામાં સવા ઇંચ વરસાદ પડયો છે.
જૂનાગઢનો આણંદપુર ડેમ ઓવરફ્લો: 19 ડેમમાં નવા નીર
રાજકોટ જિલ્લાના 6 ડેમ, મોરબી જિલ્લાના બે ડેમ, જામનગર જિલ્લાના છ ડેમ, દ્વારકા જિલ્લાનો એક, સુરેન્દ્રનગર જિલ્લાના 3 અને અમરેલી જિલ્લાના ડેમ જળાશયમાં પાણીની આવક
સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. જૂનાગઢ પંથકમાં ગઇકાલે અનરાધાર વરસાદના કારણે જૂનાગઢને પીવાનું પાણી પુરૂં પાડતો આણંદપુર ડેમ એક જાટકે જ ઓવરફ્લો થઇ ગયો છે. રાજકોટ સિંચાઇ વર્તુળપુર એકમના 19 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે.
રાજકોટ સિંચાઇ વર્તુળપૂર એકમ હસ્તક નોંધાયેલા 19 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં રાજકોટ જિલ્લાના ફોફળ ડેમમાં 0.49 ફૂટ, આજી-1 ડેમમાં 0.59 ફૂટ, આજી-2 ડેમમાં 0.16 ફૂટ, સોડવદરમાં 1.31 ફૂટ, સુરવોમાં 3.44 ફૂટ અને ભાદર-2 ડેમમાં 1.48 ફૂટ પાણીની આવક થવા પામી છે. મોરબી જિલ્લાના મચ્છુ-2 ડેમમાં 0.39 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં 1.15 ફૂટ, જામનગર જિલ્લાના પન્ના ડેમમાં 0.82 ફૂટ, ફૂલઝર ડેમમાં 1.54 ફૂટ, ફૂલઝર-2 ડેમમાં 11.48 ફૂટ, રંગમતી ડેમમાં 0.98 ફૂટ, વાડીસંગમાં 0.75 ફૂટ અને વગડિયામાં 1.54 ફૂટ પાણીની આવક થવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.49 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગવો-2 (ધોળીધજા)માં 0.98 ફૂટ, લીંબડી ભોગવો-1માં 3.51 ફૂટ અને અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં 6.89 ફૂટ પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ પાસે આવેલો વેણુ-2 ડેમ ભરાઇ ગયો હોવાના
કારણે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેમ હોય હેઠવાસના ગામ ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિખાલાના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.