અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ આજથી ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે ખોડિયાર કન્ટેનર ડેપો અને પાનસર છત્રાલા પર નવનિર્મિત રેલવેબ્રિજનું પણ લોકાર્પણ કરાયું છે.આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રૂ.28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ જશે. ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ બનાવેલા ફલાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન પણ કરાયું છે.
અમિત શાહે જણાવ્યું કે, કોરોનાનું વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયના કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ 1 ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લે એવી અપીલ છે. કારણ કે 2 ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 6 પૈકી 4 ફલાયઓવર હવે બનીને તૈયાર થઈ ગયા છે. અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે. ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો એસજી હાઈવેનો ઉપયોગ કરે છે, ત્યારે આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી તેના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાંથી ઘણાં બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં તેમને જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે.