જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સહકારથી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો દ્વારા પાણીને સંપૂર્ણ શુદ્વ કરવાની દિશામાં થનારી મહત્વની કામગીરી
ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર, મુંબઈ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે દેશના પ્રથમ રિડિયેશન ટેક્નોલોજી બેઇઝડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીત કુમાર મોહંતીએ કર્યું હતું.પરમાણુ ઉર્જા રેડિયેશન દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્લાન્ટનો પ્રયોગ સફળ થતા પ્લાન્ટમાંથી કલરવાળું પાણી શુદ્ધ થઈને બહાર નીકળશે, તેમ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીત કુમાર મોહંતીએ હર્ષ સાથે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત-પ્રદૂષણમુક્ત ભારત-હરિયાળા ભારત અભિયાનમાં આઝાદીના અમૃત મહોત્સવના અવસરે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરીનું આ એક મહત્વનું કદમ છે.
આ ટેક્નોલોજીથી કલરવાળું પાણી શુદ્ધ થશે અને તેનો પુન: વપરાશ ઉદ્યોગો ઉપરાંત અન્ય ઘણા હેતુઓ માટે થશે. ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના મિશનના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે. સેન્ટર દ્વારા બીજા પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ પ્રસંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જે.એલ.રામોલીયાએ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીત કુમાર મોહંતીનું સ્વાગત કર્યું હતું.
જેતપુરના ભાદર નદીના સામા કાંઠે સી.ઇ.પી.ટી. સાઇટ પર એસોસિએશનના સહકારથી મુકાયેલા આ પાણીના શુદ્વિકરણના માટેના બે પ્રાયોગિક યુનિટ મુકવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ કર્યા બાદ બાર્કના ડાયરેક્ટરની હાજરીમાં પાણીનું પૃથક્કરણ કરતા કલરવાળું પાણી છુટું પડ્યા પછી શુદ્વ પાણીનું પી.એચ.લેવલ 7 ન્યુટ્રલ વેલ્યુ આવતા હવે આર.ઓ. દ્વારા પાણી વધુ શૃદ્વ થવાનું શક્ય બન્યું છે.
આ પ્રસંગે આઇ.પી.આર. ગાંધીનગરના ડાયરેક્ટર ડો.શશાંક ચતુર્વેદી, પ્રાંત અધિકારી જે.એન.લીખીયા, જી.પી.સી.બી.ના પ્રાદેશિક અધિકારી કે.બી. વાઘેલા, ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના ડો.વિરેન્દ્રકુમાર, ડો.નિલાંજલ મિશ્રા, પી.જે.મહેતા તેમજ પી.જી.વી.સી.એલના અધિકારીઓ, મામલતદાર તેમજ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.