નોકરી, વ્યવસાય અને અભ્યાસ કરતા કોઈપણ વ્યકિત અભ્યાસક્રમમાં જોડાઈ શકશે: યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા દર ૬ મહિને કોર્સની પરીક્ષા લેવાશે
વિશ્ર્વ વિદ્યાલય શિક્ષણ તરીકે જે બાબતો શિખવવામાં આવે છે તે લગભગ ગત ૨૦૦-૨૫૦ વર્ષોમાં પાશ્ર્ચાત્ય દેશોમાં વિકસિત થઈ છે. તેના આધારે જે વિકાસ થઈ રહ્યો છે, વિનાશ પણ તેને અનુસરી રહ્યો છે. ભારત કયારેક જ્ઞાન, વિજ્ઞાન અને પ્રૌધોગિકીમાં વિશ્ર્વનું માર્ગદર્શન કરતું હતું એવું કહેવાય છે. આજના યુગમાં ભારતીય જ્ઞાનની બાબતમાં કુતૂહલ નિર્માણ થયું છે. પણ ભારતીય જ્ઞાન સંસ્કૃતમાં હોવાના કારણે જો સંસ્કૃત શિક્ષણ મળે તો વિભિન્ન આધુનિક જ્ઞાનશાખાના વિદ્યાર્થીઓ જે-તે શાખા સંબંધિત સંસ્કૃત ગ્રંથોનું પરિશિલન સ્વયં કરી શકે અને નૂતન પુરાતનના અનોખા સંગમથી કંઈક નવું સર્જન કરી શકે.
સંસ્કૃત સરળ ભાષા છે, ગયા કેટલાક વર્ષોના સંસ્કૃત શિક્ષણ પઘ્ધતિ ઉપરના અનુસંધાનથી એવી રોચક પઘ્ધતિઓ અને પાઠન સામગ્રીઓ વિકસિત થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાની યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ અને નાગરીકોને સંસ્કૃત શિક્ષણ દ્વારા ભારતીય જ્ઞાનથી અવગત કરાવવા તત્પર છે. યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત પ્રત્યે અનુરાગ અને સંસ્કૃત બોલવા અને શીખવા ઈચ્છુક કોઈપણ વ્યકિત સંસ્કૃત શીખી શકે, બોલી શકે એ માટેની ગુજરાતમાં સૌપ્રથમ પહેલ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત ભવન દ્વારા ‘સંસ્કૃત સંભાષણ કેન્દ્ર’નો પ્રારંભ કરી સમાજમાં સંસ્કૃત અને સંસ્કૃતિના ભવ્ય વારસાને લોકમુખે લાવવા માટે સરાહનીય, ઉતમ અને અદભુત કાર્ય કરવા જઈ રહ્યું છે.
આ કોર્ષનું નામ સર્ટીફીકેટ કોર્સ ઈન સંસ્કૃત છે. જેનો પ્રવેશ પ્રારંભ આજથી ૭મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. આ કોર્ષ હાલમાં નોકરી, વ્યવસાય કે અભ્યાસ કરતા કોઈપણ સાક્ષર લોકો જોડાઈ શકશે. વિવિધ સામગ્રીનો ઉપયોગ કરી સંસ્કૃત માધ્યમથી સંસ્કૃત શીખવાડવામાં આવશે. સપ્તાહમાં બે દિવસ શનિવારે અને રવિવારે દરરોજ ૧:૩૦ કલાક પ્રશિક્ષિત શિક્ષકો કોર્ષનું માર્ગદર્શન આપશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા દર ૬ મહિને આ કોર્ષની પરીક્ષા લેવામાં આવશે.સંસ્કૃતાનુરાગીઓને યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. સંસ્કૃત વિશ્ર્વની પ્રાચીનતમ, સમૃદ્ધ અને અનેક ભાષાઓની જનની છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અહેવાલને આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી કઈ-કઈ યોજનાઓનું ક્રિયાન્વયન થઈ શકે તે માટેની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળાની વિશેષતા એ છે કે, આ કાર્યશાળામાં બીજરૂપ વકતા તરીકે સંસ્કૃત વિઝન અન્ડ રોડ મેપ જેમની અધ્યક્ષતામાં આ અહેવાલ તૈયાર થયો છે તેવા તિરૂપતિ વિદ્યાપીઠના કુલાધિપતિ અને પૂર્વ મુખ્ય ચુંટણી કમિશનર એન.ગોપાલસ્વામી ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત આ સંસ્કૃત વિઝન અને રોડ મેપને સારી રીતે પ્રસ્તુત કરી શકે તેવા દિલ્હીથી વિદ્ધાન પ્રોફેસર ડો.ચાંદકિરણ સલુજાજી અને સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કામતજી, બનારસ હિન્દુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષ ડો.ગોપબઘ્નુ મિશ્રાજી તથા ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કોલેજના પ્રિન્સીપાલ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ સંસ્કૃત અધ્યાપકો, સંશોધકો અને ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતીયના અધ્યક્ષ, મંત્રી તથા સંઘટન મંત્રી ઉપસ્થિત રહેવાના છે.