પાંચ વર્ષ બાદ સખી વન સ્ટોપ સેન્ટરને મળ્યું પોતીકુ બિલ્ડીંગ: અત્યાર સુધી 2263 કેસનો નિકાલ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત હિંસાથી પીડિત મહિલાઓને મદદરૂપ બનવા માટે અંદાજિત રૂ.50 લાખના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત ‘સખી’-વન સ્ટોપ સેન્ટર, રાજકોટના પી.ડી.યુ. હોસ્પિટલના કેમ્પસ ખાતે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, મેયર પ્રદિપભાઈ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અગ્રણી કમલેશભાઈ મીરાણી, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાદેશિક કમિશ્નર નગરપાલીકા ધિમંતભાઇ વ્યાસ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જનકસિંહ ગોહિલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ ‘સખી’-વન સ્ટોપ સેન્ટરના નવનિર્મિત બિલ્ડીંગની મુલાકાત લીધી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરની શરૂઆત 2017માં કરવામાં આવી છે, ત્યાર થી લઈને આજદિન સુધીમાં 2263 જેટલા કેસનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ સેન્ટર પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં કાર્યરત હતું. પરંતુ હવે સંસ્થાને આંખોના વિભાગની બાજુમાં પોતાનું સ્વતંત્ર બિલ્ડીંગ સોંપવામાં આવ્યું છે. આ સેન્ટર આશરે રૂ.50 લાખના ખર્ચે 300 સ્ક્વેર મીટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં 5 સેલ્ટર રૂમ, કાઉન્સિલિંગ રૂમ,ઓફિસ તથા સ્ટાફ રૂમ વોશરૂમ, પેન્ટ્રી સહિતની ઘર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરાથી આ સેન્ટર સુસજ્જ કરવામાં આવ્યું છે. અહીં સાત થી આઠ બહેનો 5 દિવસ સુધી હંગામી નિવાસ મેળવી શકે તેવી રહેવાની વ્યવસ્થા છે. આ તકે મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત કાઉન્સીલર બહેનો સાથે ચર્ચા કરી કામગીરી અંગે વિગતો મેળવી હતી.