શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ગોંડલ સંપ્રદાયના શય્યાદાન–મહાદાનના પ્રણેતા સુપ્રસિઘ્ધ જૈનમુનિ પૂ.શ્રી ધીરજમુનિ મ.સા.મુંબઈથી વિહાર કરી રાજકોટ, જામનગર, જશાપર થઈ આજે બુધવારે સવારે ૮ કલાકે સુદામા ચોક પધાર્યા બાદ સ્વાગત સામૈયું અને મોટા નાગરવાડામાં જૈન ઉપાશ્રયે જયોતિબેન મુકેશભાઈ પારેખની નવકારશી બાદ ૯ કલાકે ભકતામર અને ૯:૩૦ કલાકે પ્રવચન યોજાશે.
જયારે તા.૨૧ને ગુરુવારે સવારે ૮ કલાકે ભોજેશ્ર્વર પ્લોટમાં કલ્યાણ હોલ ખાતે સોનલબેન પારસભાઈ શાહ પ્રેરિત નવકારશી બાદ પૂ.શ્રી ધીરગુરુદેવની અસીમ કૃપાથી અમેરિકા સ્થિત શ્રી નિખીલ અને રાજેશ દફતરીના ઔદાર્યપૂર્ણ સહકારથી નૂતનીકરણ પામેલા પાર્શ્વનાથ જૈન ઉપાશ્રયની ઉદઘાટનવિધિ ૯:૧૫ કલાકે થયા બાદ શોભાયાત્રા અને ૧૦:૦૦ કલાકે કલ્યાણ હોલમાં ધર્મસભા રાખેલ છે. તાજેતરમાં પૂ.ગુરુદેવની પ્રેરણાથી આચાર્ય પૂ.જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે રાજકોટમાં ગોપાલ ચોક, ગીતગુર્જરી, રંગપર, વડાલ, બામણબોર, વડાલ, કાટકોલામાં ઉપાશ્રયના ઉદઘાટન કરવામાં આવેલ છે.
પોરબંદરમાં ૧૯૮૮માં ચાતુર્માસનો લાભ આપનાર પૂ.ગુરુદેવ ગુરુવારે બપોરે વિહાર કરી શુક્રવારે ઉપલેટા પધાર્યા બાદ રાજકોટ થઈ મુંબઈ–ઘાટકોપર ચાતુર્માસ પધારશે. પોરબંદરના પ્રફુલભાઈ બખાઈને મુંબઈમાં ૪૫૦ ઉપવાસ પૂર્ણ કરી આગળ વધી રહેલ છે તેમ સંઘપ્રમુખ જીતેન્દ્ર શેઠની યાદીમાં જણાવાયું છે.