પીપલોદ ખાતે ૪૭ કરોડ ૪૦ લાખના ખર્ચે બનાવેલ ભવનનું લોકાર્પણ
સુરતના પીપલોદ ખાતે રૂપિયા ૪૭ કરોડ ૪૦ લાખના ખર્ચે સુરત જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનનું 31 ઓગસ્ટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સહિતના અગ્રણી રાજનેતાઓ, ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સભ્યો અને અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. તેમજ સારસાણા કન્વેન્શન હોલ ખાતે મુખ્ય મંત્રીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું.
ચોકબજાર ખાતે આવેલ સુરત જિલ્લા પંચાયત કચેરી ૮૦ વર્ષ જૂના બિલ્ડીંગમાં કાર્યરત છે. આ જૂની બિલ્ડીંગનું તારીખ 5-11-1934ના રોજ બાંધકામ થયું હતું. સુરત શહેર-જિલ્લાના વિકાસ અને વસ્તીમાં વધારો, અધિકારી-કર્મચારી, પદાધિકારી અને વિવિધ શાખાની સંખ્યામાં વધારો થતા ઓછી જગ્યાના કારણે મુશ્કેલી અનુભવાતી હતી.
નવનિર્મિત ભવન કેટલા કરોડનું ?
આ ઉપરાંત, પાર્કિગ સહિતની અગવડતાને ધ્યાને લઈ નવા ભવન માટે રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે નવા બિલ્ડીંગના બાંધકામ માટે ૨૯ કરોડ ૪૦ લાખ ફાળવ્યા હતા, જ્યારે સુરત જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ૧૮ કરોડની ફાળવણી સાથે કુલ રૂ.૪૭ કરોડ ૪૦ લાખના ખર્ચે આ નવું મકાન ખૂબ ટૂંકા ગાળામાં ઝડપભેર સાકાર થયું છે, જેનું કન્સ્ટ્રકશન કામ 18 જાન્યુઆરી ૨૦૨૨ના રોજ શરૂ કરાયું હતું. આ મકાનથી પદાધિકારી-અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવતા અરજદારોની સુવિધાઓમાં વધારો થશે.
શું સુવિધા છે ઉપલબ્ધ ?
નવું ભવનમાં ઈકો ફ્રેન્ડલી છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં બે માળવાળું ૨૦૦ કારો અને ૬૦૦ બાઈક પાર્ક થઈ શકે તેવું મલ્ટીલેયર પાર્કિંગ છે. વરસાદી પાણીનો સંગ્રહ, સોલાર રુફ અને વોટર હારવેસ્ટિંગ સિસ્ટમની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. જ્યારે જિલ્લા પંચાયતની તમામ અન્ય કચેરીઓને હવે આ ભવનમાં સમાવી લેવામાં આવશે.