રા’નવઘણ, મહંમદ બેગડા, નવાબ શાસન અને આઝાદી સંગ્રામના સાક્ષી ઉપરકોટની ભવ્યતામાં રિ-કન્સ્ટ્રક્શનથી ચાર ચાંદ લાગ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરતના પાટનગર જુનાગઢ ના અતિથિ બન્યા છે અને જૂનાગઢમાં રૂ. 74 કરોડના ખર્ચે રેસ્ટોરેશન પામેલ ઉપરકોટના કિલ્લાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. તે સાથે કુલ રૂ. 438 કરોડથી વધુ રકમના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી આજે પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ પીટીસી હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે જૂનાગઢના કલેકટર અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા જુનાગઢના મેયર, મનપાના પદાધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જુનાગઢ શહેર તથા જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના કાર્યક્રમનો સિલસિલો શરૂ થયો હતો.
રાજ્યના મુખ્યમંત્રી આજે જ્યારે જુનાગઢના મહેમાન બન્યા છે. ત્યારે તેઓ હેલીપેડથી સીધા બગડું ગામ ખાતે પહોંચ્યા હતા, અને બગડુ ખાતે જિલ્લા સહકારી બેંકની વિવિધ શાખાઓના લોકાર્પણ સમારંભમાં હાજરી આપી હતી, ત્યાંથી તેઓ મોટર માર્ગે જુનાગઢ પહોંચ્યા હતા અને ગરવા ગઢ ગિરનાર ઉપર બિરાજતા અંબાજી મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
બાદમાં મુખ્યમંત્રીએ જૂનાગઢના ઐતિહાસિક મહોબત મકબરાની મુલાકાતની મુલાકાત લીધી હતી. અત્રે નોંધનીય છે કે, જુનાગઢના ઐતિહાસિક મહોબત મકરબાની પણ રીનોવેશનની કામગીરી પ્રવાસન વિભાગ અને સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી હતી અને આ કામગીરી પૂર્ણ થતા જુનાગઢના ઐતિહાસિક મકરબાને પણ નવા સાજ શણગાર સાથે મુખ્યમંત્રીએ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકેલ છે.
આ સાથે મુખ્યમંત્રી આજે જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયેલ સમારોહમાં હાજરી આપી હતી અને રૂપિયા 74 કરોડના ખર્ચે રીનોવેશન થયેલ ઉપરકોટ કીલાને પ્રવાસીઓ માટે ખુલ્લો મુક્યો છે. તે સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં રૂ. 62.95 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને વોટર સપ્લાય સહિતના વિવિધ પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ અને 2.82 કરોડના ખર્ચે તમામ હેલ્થ એટીએમ તેમજ દૂષણ રહિત ઈ રીક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અમૃત 2.ઘ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત રૂ. 299.04 કરોડના ત્રણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે છ કલાકથી વધુ સમય માટે જુનાગઢના મહેમાન બન્યા છે ત્યારે આજે બપોરના ભોજન અને આરામ બાદ બપોરે 02.45 કલાકે ખામધ્રોળ ખાતે અનુસૂચિત જાતિના મોરચાના કાર્યક્રમ, બપોરે 03.05 કલાકે ત્રિમંદિર દર્શન અને 3.15 કલાકે ખલીલપુર ખાતેના આલ્ફા વિદ્યા સંકુલમાં મહિલા મોરચાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીના આજના જુનાગઢ પ્રવાસ દરમિયાન જિલ્લાના પ્રભારી અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.