ખેડૂતોને મંજૂરીપત્ર એનાયત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગતના વધુ બે પગલાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના અને જીવામૃત માટે કીટ સહાય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતના ખેડૂતો શૂન્ય લાગત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ કરતી પ્રાકૃતિક ખેતી તરફ પગરણ માંડે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક દેશી ગાય માટેના નિભાવ ખર્ચ માટે માસિક રૂ. ૯૦૦, વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. તો પ્રાકૃતિક ખેતીમાં જીવમૃતનું અતિ મહત્વ છે.
આ લોકાર્પણ પ્રસંગે ધ્રોલ ખાતેના કાર્યક્રમમાં ૭૫ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચની સહાય અને ૩૦ ખેડૂતોને જીવામૃત બનાવવા માટેની કીટની સહાયના મંજૂરીપત્ર એનાયત કરાયા હતા.
જામનગર જિલ્લાના કુલ ૧૫૨ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ તેમજ ૫૬ ખેડૂતોને જીવામૃત બનાવવાની કીટની સહાયના મંજૂરીપત્રો એનાયત કરાયા હતા. આ તકે મહાનુભાવોના હસ્તે આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડનાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. જેમાં એક રાજ્ય કક્ષા, ત્રણ જિલ્લા કક્ષા અને ત્રણ તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતની ખુમારી અને ખમીરને બિરદાવી કહ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત અતિ પરિશ્રમી છે પરંતુ અગાઉ વીજળી અને પાણી જેવી મુશ્કેલીઓ હતી. જે આવશ્યકતા રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. નર્મદાનું પાણી ગામડે ગામડે પહોંચાડી આજે ગુજરાતના ખેડૂતોના ખેતરે પાણી પહોંચ્યું છે. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના નિર્ધારને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલા લેવામાં આવી રહ્યા છે.