રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લો મુકાશે: મુખ્યમંત્રી પણ વર્ચ્યૂઅલી જોડાય તેવી સંભાવના
શહેરની ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના ગૌરવ પથ એવા કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક ખાતે રૂ.28.52 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજની તમામ કામગીરી હવે પૂર્ણ થઇ જવા પામી છે. આગામી તા.4ને શનિવારના રોજ રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે બ્રિજને વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વર્ચ્યૂઅલી જોડાય તેવી સંભાવના જણાઇ રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપભાઇ ડવે જણાવ્યું હતું કે વાહન ચાલકોને ટ્રાફીકમાંથી મુક્તિ અપાવવા કોર્પોરેશન દ્વારા વર્ષ-2021માં એક જ દિવસમાં અલગ-અલગ પાંચ બ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જે પૈકી ચાર બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થતાં વાહન ચાલકો માટે ખૂલ્લા મૂકી દેવામાં આવ્યા છે. દરમિયાન કાલાવડ રોડ જડ્ડુસ ચોક પાસે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજનું કામ હવે પૂર્ણ થઇ જવા પામ્યું છે. આગામી 4-ફેબ્રુઆરીના રોજ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ખૂલ્લો મૂકી દેવામાં આવશે. જડ્ડુસ ચોક બ્રિજ ઉપરાંત રૈયા ગામમાં ગેસ અને ઇલેક્ટ્રીક સ્મશાન સહિતના અલગ-અલગ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરી દેવામાં આવશે. આ બ્રિજ ખૂલ્લો મૂકવાથી દૈનિક બે લાખ નાગરિકોને ટ્રાફીકની સમસ્યામાંથી મૂક્તિ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ રોડ પર મુખ્ય તમામ ચોક પર બ્રિજ બનાવી દેવામાં આવ્યા છે. હવે કોર્પોરેશન ભવિષ્યમાં કટારીયા ચોકડી ખાતે બ્રિજ બનાવશે. આ માટે ગઇકાલે જાહેર કરાયેલા બજેટમાં પણ પ્રિ-ફીઝીબિલીટી રિપોર્ટ માટે નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. શનિવારે બ્રિજના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વર્ચ્યૂઅલી જોડાય તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.