કેકેવી ચોકમાં નિર્માણાધીન મલ્ટીલેવલ બ્રિજનું કામ 31મી માર્ચ-2023 સુધીમાં પૂર્ણ થશે
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા 21 જાન્યુઆરી, 2021ના રોજ રાજકોટના અલગ-અલગ રાજમાર્ગો પર પાંચ બ્રિજના નિર્માણ કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ દિવસ મહાપાલિકાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો છે. કારણ કે એક સાથે પાંચ બ્રિજનું ખાતમુહુર્ત કરાયું હોય તેવી આ પ્રથમ ઘટના હતી. આ પાંચ પૈકી ત્રણ બ્રિજ વાહન ચાલકો માટે ચૂંટણીની તારીખોનું એલાન થાય તે પહેલા જ ખૂલ્લા મૂકી દેવામાં આવ્યા છે. દરમિયાન કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકમાં ઓવરબ્રિજનું કામ હાલ 82 ટકા જેટલું પૂર્ણ થઇ જવા પામ્યું છે.
26મી જાન્યુઆરી અર્થાત પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમોમાં આ બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવશે. બીજી તરફ કેકેવી ચોકમાં હયાત બ્રિજ પર બની રહેલા મલ્ટીલેવલ બ્રિજનું કામ પણ 31મી માર્ચ સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી સંભાવના જણાઇ રહી છે. આ અંગે કોર્પોરેશનના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકમાં રૂ.28.52 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બની રહ્યો છે.
જે એ.જી.ચોકથી લઇ મોટા મવા બ્રિજ સુધી આશરે 360 મીટરની લંબાઇમાં બનશે. બંને બાજુ બ્રિજની પહોળાઇ 15.50 મીટર રહેશે. હાલ બ્રિજનું નિર્માણ કામ 82 ટકા જેટલું પૂર્ણ થઇ જવા પામ્યું છે. બ્રિજની બંને તરફ એપ્રોચ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આગામી 26મી જાન્યુઆરી પહેલા બ્રિજનું નિર્માણ કામ પૂરું થઇ જશે અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન આ બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે.
કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં હયાત ઓવરબ્રિજ પર મલ્ટીલેવલ બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેનો ખર્ચ રૂ.129.53 કરોડ રૂપિયા થવાનો છે. 1152 મીટરની લંબાઇ અને બંને બાજુ 15.50 મીટરની પહોળાઇ ધરાવતા આ મલ્ટીલેવલ બ્રિજનું 70 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે. બ્રિજમાં કુલ 195 ગર્ડર મૂકવાના છે. જે પૈકી 142 ગર્ડરનું કાસ્ટીંગનું કામ પુરું થઇ ગયું છે અને હજુ 53 ગર્ડરનું કાસ્ટિંગનું કામ બાકી છે. જેમ-જેમ ગર્ડર મૂકાતા જાય છે તેમ-તેમ સ્લેબ ભરવાનું કામ પણ આગળ ધપી રહ્યું છે. 31મી માર્ચ સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ થઇ જવાની સંભાવના જણાઇ રહી છે.