- ભારતીય તટરક્ષક દળ જેટ્ટીનું ઉદ્ઘાટન
- સમુદ્રી સુરક્ષા અને સલામતી, આપણા વિશિષ્ટ આર્થિક ઝોનમાં દેખરેખ સહિત વિવિધ આદેશિત કાર્યોનો સમાવેશ થશે
જામનગર ન્યૂઝ : માનનીય સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે 01 માર્ચ 2024ના રોજ વાડીનાર ખાતે ભારતીય તટરક્ષક દળ જેટ્ટીનું ઉદ્ઘાટન કર્યું હતું. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ધરાવતા ભારતીય તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર-પશ્ચિમ)માં આ જેટ્ટીની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. દીનદયાળ બંદર સત્તામંડળ (DPA) દ્વારા રૂપિયા 74 કરોડના ખર્ચે ડિપોઝિટ વર્ક તરીકે જેટ્ટીનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. ICG દ્વારા પોતાના જવાબદારીના ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સમુદ્રી હિતોનું રક્ષણ કરવા માટે નિભાવવામાં આવતી ભૂમિકાની માનનીય સંરક્ષણ રાજ્ય મંત્રીએ પ્રશંસા કરી હતી.
ICGનું વડુમથક નવી દિલ્હી ખાતે આવેલું છે. મહાનિદેશક ભારતીય તટરક્ષક દળ દ્વારા ગાંધીનગર, મુંબઇ, ચેન્નઇ, કોલકાતા અને પોર્ટબ્લેર ખાતે સ્થિત 05 ICG પ્રાદેશિક વડામથક દ્વારા સંસ્થાના કમાન્ડ અને નિયંત્રણનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સમુદ્રી સુરક્ષા અને સલામતી, આપણા વિશિષ્ટ આર્થિક ઝોન (EEZ)માં દેખરેખ સહિત વિવિધ આદેશિત કાર્યોનો સમાવેશ થાય છે તેમજ ભારતીય શોધ અને બચાવ ક્ષેત્ર (ISRR)માં મુશ્કેલીની સમયમાં નાવિક અને માછીમાર લોકોને મદદ પૂરી પાડવાનું પણ સામેલ છે.
ગાંધીનગર ખાતે 16 ડિસેમ્બર 2009ના રોજ ICG પ્રાદેશિક વડામથક (ઉત્તર પશ્ચિમ)ની સ્થાપના કરવામાં આવી હતી. તે ગુજરાત, દમણ અને દીવના સમુદ્રી ઝોનમાં ICGના આદેશિત ચાર્ટરનો અમલ કરે છે. ગુજરાત રાજ્ય 1215 કિમીનો દરિયાકાંઠો ધરાવે છે, જે દેશના કુલ દરિયાકાંઠાનો છઠ્ઠો ભાગ છે અને પાકિસ્તાન સાથે કાલ્પનિક IMBL સીમા પણ ધરાવે છે.
પ્રાદેશિક વડુમથક (ઉત્તર પશ્ચિમ) સુરક્ષા, દેખરેખ અને દરિયામાં સતત તકેદારી રાખવા માટે દૈનિક ધોરણે સરેરાશ 10/12 જહાજો અને 2/3 એરક્રાફ્ટ તૈનાત કરે છે. પરિચાલન પ્લેટફોર્મને સમર્થન આપવા અને વધુ સારી કાર્યક્ષમતા માટે, ICG દ્વારા બર્થિંગ સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જે અદ્યતન સપાટી અને હવાઇ પ્લેટફોર્મના સંચાલન માટે ICGને સવલતોથી સજ્જ કરવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. વાડીનાર ખાતે ICG જેટ્ટી ઉપરાંત, ICG દ્વારા પોરબંદર ખાતે 100 મીટર જેટ્ટી એક્સ્ટેન્શન, ઓખા ખાતે 200 મીટર જેટ્ટી અને મુંદ્રા ખાતે 125 મીટર જેટ્ટીનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મહાનિદેશક રાકેશ પાલ, AVSM, PTM, TM અને ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સાગર સંઘાણી